પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે વડા પ્રધાન શહેબાઝ શરીફને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ગાઝામાં શાંતિ અને સુરક્ષા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં ભાગ લેવાનું ચાલુ રાખશે, જેનો ઉદ્દેશ્ય યુએનના ઠરાવો અનુસાર પેલેસ્ટિનિયન મુદ્દાનો કાયમી ઉકેલ શોધવાનો છે.
આ પગલાથી ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ માટે મુશ્કેલીઓ વધવાની અપેક્ષા છે, કારણ કે પાકિસ્તાન ખુલ્લેઆમ હમાસને સમર્થન આપે છે અને સતત ઇઝરાયેલનો વિરોધ કરે છે. પાકિસ્તાન ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને પણ ગાઝા “બોર્ડ ઓફ પીસ” માં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. બંને દેશોએ આમંત્રણ મળ્યાની પુષ્ટિ કરી છે. આ બોર્ડ ગાઝાના વચગાળાના શાસનની દેખરેખ રાખશે.
તુર્કીએ અને ઇજિપ્તે શું કહ્યું
તુર્કિયેના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે તેને ટ્રમ્પ તરફથી એર્દોગનને પેનલમાં જોડાવા માટે આમંત્રણ આપતો પત્ર મળ્યો છે. ઇજિપ્તના વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટ્રમ્પના આમંત્રણ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
પેનલમાં કોણ છે?
વ્હાઇટ હાઉસે શુક્રવારે જાહેરાત કરી હતી કે ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને અમલમાં મૂકવા માટે એક એક્ઝિક્યુટિવ પેનલની રચના કરવામાં આવી છે. આ પેનલમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો, વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગા, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર અને તુર્કીના વિદેશ મંત્રી હકન ફિદાનનો સમાવેશ થાય છે. આ પેનલ ગવર્નન્સ અને પ્રાદેશિક મુત્સદ્દીગીરીથી માંડીને પુનઃનિર્માણ માટે ભંડોળ અને રોકાણો એકત્રિત કરવા સુધીના પોર્ટફોલિયોની દેખરેખ કરશે.
વ્હાઇટ હાઉસના નિવેદન મુજબ, વ્યાપક “બોર્ડ ઓફ પીસ” ગાઝાના સંઘર્ષથી વિકાસ તરફના સંક્રમણ દરમિયાન વ્યૂહાત્મક દેખરેખ અને જવાબદારી સુનિશ્ચિત કરશે. યુ.એસ. ગાઝામાં સંક્રમણ દરમિયાન શાસન, સુરક્ષા અને પુનઃનિર્માણના પ્રયાસોનું સંકલન કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળ તૈનાત કરવાની અને ઉચ્ચ પ્રતિનિધિની નિમણૂક કરવાની યોજના ધરાવે છે.








