અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા અને ચાણક્યપુરી વિસ્તારમાં માથાભારે શખસોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ચાણક્યપુરી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા વેપારીને કુખ્યાત વિશાલ ઉર્ફે છોડીમલ દેસાઈએ ધમકી આપી હતી કે, ‘તારે ધંધો કરવો હોય તો મને પાંચ લાખ રૂપિયા ખંડણી આપવી પડશે, નહિતર તારો સામાન ભરી જઈશ અને પુત્રને જાનથી મારી નાખીશ.’ આથી આ મામલે વેપારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ખંડણી સહિતની કલમો લગાવી ગુનો દાખલ કરીને આરોપી વિશાલ દેસાઈની ધરપકડ કરી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા કિરીટકુમાર ઠક્કર ચાણક્યપુરીમાં દવાની દુકાન ધરાવે છે. ગત 5 ફેબ્રુઆરીએ તેમની દુકાને વિશાલ ઉર્ફે છોડીમેલ દેસાઈ તેના સાગરિત સાથે આવ્યો હતો. વિશાલ ઉર્ફે છોડીમેલે ધંધો કરવો હોય તો પાંચ લાખ ખંડણી આપવી પડશે તેમ કહીને ધમકી આપવા લાગ્યો હતો. બાદમાં પાંચ લાખ નહિ આપે તો દવા સહિતનો માલ ભરીને જતો રહીશ તેમ કહેતા વેપારીની પત્ની વચ્ચે પડી હતી. કિરીટકુમારની પત્નીએ પૈસા આપવાની મનાઈ કરતા આરોપી વિશાલ દેસાઈ ઉર્ફે છોડીમેલે પુત્રને મારી નાખવાની ધમકી આપીને ગાળાગાળી કરી હતી. આ મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સૂત્રોના કહેવા મુજબ માથાભારે ગણાતા વિશાલ ઉર્ફે છોડીમેલ દેસાઈનો ઘાટલોડિયા, સોલા પોલીસ સ્ટેશનની હદમાં આતંક વધી રહ્યો છે. અગાઉ પણ કુખ્યાત વિશાલ ઉર્ફે છોડીમેલ દેસાઈ સામે અનેક ગુનાઓ નોંધાયા હતા ત્યારે વધુ એક ફરિયાદ નોંધાયા બાદ સોલા પોલીસે આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here