ગાંધીનગરઃ નર્મદા કેનાલ હાલ બેકાંઠે વહી રહી છે. કેનાલમાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક લોકો નહાવા પડતા હોય છે, અને ડૂબી જવાથી મોતના ઘટના બનતી હોય છે. ત્યારે શહેર નજીક સુઘડ પાસેની નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ શ્રમિક મિત્રો પૈકી બે મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કેનાલમાં ડૂબેલા બંને મિત્રોને શોધવા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ બંને મિત્રોનો ક્યાંય પતો મળ્યો ન હતો. આ મામલે અડાલજ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, અમદાવાદના મોટેરા કોટેશ્વર ટીપી એફ ખાતેની એક્ટ્રેશન કન્સ્ટ્રક્શન સાઈટ ખાતે મૂળ મહારાષ્ટ્રના મંગેશ જાનરાવ કાનકે (ઉ.વ. 45), રોશન માંડવકર (ઉ.વ.33) અને ધનરાજ કદમ (ઉ.વ.40) એમ ત્રણેય મિત્રો સળિયા નાખવાની મજૂરી કામ અર્થે આવ્યા હતા અને કન્સ્ટ્રક્શન સાઈટ ખાતે રહેતા હતા. સવારના 10:30 વાગ્યાની આસપાસ ફરતા ફરતા ત્રણેય મિત્રો સુઘડ કેનાલ પહોંચ્યા હતા. બાદમાં ત્રણેય મિત્રો કેનાલમાં નાહવા પડ્યા હતા. ત્રણેય મિત્રો કેનાલના કિનારે પાણીમાં તરી રહ્યા હતા. દરમિયાન કેનાલમાં મસ્તી કરતા કરતા થોડાક આગળ જતાં રોશન અને ધનરાજ ડૂબવા લાગ્યા હતા. આ જોઇને મંગેશે તેમને બચાવવા માટે પ્રયાસ કરવા લાગ્યો હતો. દરમિયાન એક સમયે તેણે બંને મિત્રોના હાથ પણ પકડી લીધા હતા. આ મથામણમાં મંગેશ પણ ડૂબવા લાગતા તે પણ પાણીમાંથી બહાર નીકળવા તરફડીયા મારવા લાગ્યો હતો અને કેનાલના કિનારા સુધી પહોંચી ગયો હતો. જોકે, ગભરાઈ ગયેલો મંગેશ બહાર નીકળી શકતો ન હતો. આ અરસામાં એક અજાણ્યા લોડિંગ રિક્ષાચાલકની તેના ઉપર નજર પડી અને તેણે મંગેશને કેનાલમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.
મંગેશે આ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા ગાંધીનગર ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી હતી અને બંને મિત્રોની શોધવા કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ બંનેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.
આ અંગે અડાલજ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણેય જણાને ગઈકાલે ખર્ચીના પૈસા મળ્યા હતા. જેમાં એકને પગે ઈજા થઈ હોવાથી તેની સારવારનું કહીને સાઈટ પરથી નીકળ્યા હતા. બાદમાં કેનાલમાં નાહવા પડ્યા હતા. એક લોડિંગ રિક્ષાવાળાએ દોરડું નાખીને મંગેશને બચાવી લીધો હતો. જ્યારે બે મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.