સુરતઃ શહેરમાં ગત રાતે ભારે બફારા બાદ આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. ગત રાતથી આકાશ કાળા ડિબાંગ વાદળાઓથી ઘેરાયેલું છે. અસહ્ય ઉકળાટ વચ્ચે આજે વહેલી સવારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકતા સુરતીઓને ગરમીથી રાહત મળી હતી.
સુરત શહેરમાં વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. શહેરના અડાજણ, વેસુ, રાંદેર, અઠવાલાઇન્સ, રીંગરોડ, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા. રોડ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થયા હતા.
હવામાન વિભાગે 22 તારીખથી 27 તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. સુરતમાં આગાહી મુજબ જ વરસાદ પડતા વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અત્યારે જે પ્રકારે વાદળો ઘેરાયા છે તે જોતા દિવસભર આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે. આકાશ વાદળાઓથી ઘેરાયેલું હોવાથી સવારે 10 વાગ્યા સુધી અંધારપટ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.