અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસનું યુનિક પોલિસિંગ છે. આ વિસ્તારમાં શહેરી વસાહતો પણ આવેલી છે તો અંતરિયાળ ગામડાંઓનો પણ સમાવેશ થાય છે. એક તરફ હડપ્પન સંસ્કૃતિ ધરાવતી વિરાસતો છે તો બીજી તરફ ઔદ્યોગિક એકમો પણ મોટી સંખ્યામાં આવેલા છે. નાગરિકોની સેવા અને સુવિધા માટે જે વિવિધ પ્રકલ્પો શરૂ કરાયા છે, તેના માટે સમગ્ર અમદાવાદ ગ્રામ્ય પોલીસને અભિનંદન પાઠવું છું. જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ રોલમૉડલ તરીકે આગળ વધશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનને કારણે આ વિસ્તારમાં મોટા પાયે રોકાણ આવ્યું છે અને ઉદ્યોગો સ્થપાતા હજારો લોકોને રોજગારી મળી છે. આ વિકાસને કારણે સામાન્ય લોકોનાં સપનાં હતાં, એ સાકાર થઈ શક્યાં છે. ઔદ્યોગિક શાંતિ બાબતે પણ પોલીસની કામગીરી બિરદાવવા લાયક છે, એવું તેમણે ઉમેર્યું હતું.
એડીઆર-શિલ્ડ પ્રોજેક્ટની પ્રશંસા કરતાં સંઘવીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારમાં સમગ્ર દેશમાંથી આવનાર શ્રમિકનો ડેટા એક પોર્ટલ પર આવશે, જેથી રોજગારીની આડમાં અહીં રહેતા ગુનેગારોને ઓળખી શકાશે. અભયયાત્રી જેવા પ્રોજેક્ટથી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે, એવું તેમણે ઉમેર્યું હતું. પોલીસ કર્મીઓના ડેટા માટે એચઆરએમએસની પહેલને તેમણે બિરદાવી હતી.







