રાજપીપળાઃ નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો છેલ્લા આઠ દિવસથી પ્રારંભ થયો છે. જેમાં 14 કિમીની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા માટે આવી રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી આરોગ્ય તેમજ વિશ્રામ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં રામપુરા ખાતે રેવાના તીરે મિની કુંભ મેળા જેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે 14 કિલોમીટરની પરિક્રમા કરી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં સુરક્ષા, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, પીવાનું પાણી અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મફત છાશ વિતરણ અને સમાજસેવીઓ દ્વારા ભોજન સેવા પણ પૂરી પાડવામાં આવી રહી છે. એક મહિના સુધી ચાલનારી આ પરિક્રમાના માત્ર 8 દિવસમાં જ હજારો લોકોએ ભાગ લીધો છે. સિનિયર સિટિઝન, યુવાનો, મહિલાઓ, બાળકો, વિવિધ સંસ્થાઓ,  અને સંતો-મહંતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા 14 કિમી છે. પરિક્રમાના પદયાત્રિકો માટે ખાસ માર્ગ બનાવવામાં આવ્યો છે. આ વખતે રાજસ્થાન અને મધ્યપ્રદેશના યાત્રિકો વધુ જોવા મળી રહ્યા છે. યાત્રિકોએ અહીંની સુંદર વ્યવસ્થાની પ્રશંસા કરી અને માં નર્મદાના આશીર્વાદ મેળવ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here