અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે તાજેતરમાં શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવી છે, ત્યારે કેટલીક ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલક મંડળ દ્વારા શિક્ષણ સહાયકોને હાજર કરવામાં આવતા નથી. આવા કિસ્સાઓમાં શાળાઓની સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિનિયમ-1974 અને ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964ની જોગવાઇ મુજબ જિલ્લા શિક્ષણાધિકારીએ આવી શાળાઓની સામે શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ શાળાઓની કમિશનર કચેરીએ કર્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવી રહી છે. તેમાં હાલમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવા માટે ઉમેદવારોને શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ કરીને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
અમુક ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના સંચાલક મંડળો દ્વારા શિક્ષણ સહાયકના ઉમેદવારોને હાજર કરવામાં નહીં આવતા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સંચાલક મંડળો શિક્ષણ સહાયકને હાજર કરતા નથી. તેવા કિસ્સાઓમાં સબંધિત દોષિત ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમ-194 અને અધિનિયમ-1972 તેમજ ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964 મુજબ શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ શાળાઓની કમિશનર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે.
જોકે શિક્ષણ સહાયકોને હાજર નહીં કરતી શાળાના સંચાલકન મંડળની સામે કડકમાં કડક દાખલારૂપ પગલાં ભરવાનો આદેશ જિલ્લા શિક્ષણાધિકારીઓને કરાયો છે.