અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાગૃહમાં વર્ષ 2025-26 ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના પ્રત્યુતરમાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન સિવીલ કૉડ લાગુ કરનારૂ ગુજરાત રાજ્ય દેશનું બીજુ રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ કદમ છે. તેમણે કહ્યું કે, ન્યાયિક પ્રક્રીયાને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે ત્રણ નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલની જોગવાઇ કરી છે. રાજ્યમાં મ્યુનિસીપાલટીઝ અને પંચાયતના કેસોને પણ આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ ખાતે ચલાવવાનો નિર્ણય કરાયો છે.

ઋષિકેશ પટેલે ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંગે જણાવતા કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત હાઈકોર્ટ અને તાબાની અદાલતો માટે ડિઝીટલાઇઝેશનની સુવિધાઓ ઉભી કરવા રૂ.27.84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ફાસ્ટ્રેક કોર્ટ વિશે વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ડિસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા કુલ 18.41  લાખથી વધુ કેસોનો નિકાલ કરાયો છે. ગુજરાતમાં દરેક પ્રકારના કાયદાઓ માટે વિવિધ કોર્ટો કાર્યરત કરી છે. હાઈકોર્ટના પરામર્શમાં મંજૂર કરીને વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ કાયદા હેઠળની એટ્રોસિટી એક્ટ સહિતની કુલ 595 સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે.

ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ-2019 મુજબ  એટ્રોસિટી, એસિડ એટેક અને પોક્સો એક્ટ જેવા ગુનામાં ભોગ બનનારને છેલ્લા ત્રણ વર્ષોમાં રૂ.39 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. કાયદા મંત્રીએ કહ્યું કે, નાગરિકોને ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે અમારી પ્રાથમિકતા છે. ન્યાયની કાર્યવાહીમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અલગ-અલગ જિલ્લા તથા તાલુકા ખાતે નવીન 10 કોર્ટ બિલ્ડીંગ માટે રૂ. 73.70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીએ કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા હાઇકોર્ટના પરામર્શમાં રાજયમાં અલગ-અલગ જિલ્લાઓમાં એટ્રોસિટી એક્ટ અંતર્ગત એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ 16 અને ડેસિગ્નેટેડ સ્પેશિયલ કોર્ટ 59 એમ કુલ 75 કોર્ટોની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષની અંદર ડિસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા એટ્રોસિટી એક્ટ અંતર્ગત કુલ 1171 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની વિનંતીને આધારે તમામ ડિસ્ટ્રિક્ટ અદાલતોને એટ્રોસિટી એક્ટના કેસો ઝડપથી ચલાવી અને નિકાલ કરવાની સૂચના 11 ફેબ્રુઆરી, 2025ના રોજ આપવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here