અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 5000 જેટલી ખાલી જગ્યાઓ ખાલી છે. નવા શૈક્ષણિક સત્રનો આગામી 9મી જુનથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જ્ઞાન સહાયકોની ત્વરિત ભરતી કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજકોટમાં છેલ્લા 5 માસથી વધુ સમયથી ખાલી પડેલી જિલ્લા શિક્ષણ અધિકારીની કાયમી ભરતી કરવા માંગ કરી છે તો સાથે જ પગાર બિલ સિવાયની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હોવાથી રજુઆત કરવામાં આવી છે.

રાજકોટ શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, ગત 12 મેના અમારી રજૂઆત હતી કે જિલ્લા શિક્ષણ અધિકારીની કાયમી નિમણૂક કરવામાં આવે પરંતુ, સરકાર દ્વારા ઇન્ચાર્જની ફેરબદલ કરવામાં આવી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ આપવામાં આવ્યો છે. જેનાથી અમારી સમસ્યામાં કોઈ ફેર પડ્યો નથી. શૈક્ષણિક અને વહીવટમાં પગાર બિલ સિવાયની તમામ કામગીરી અટકેલી છે. આ ઉપરાંત મારી બીજી રજૂઆત એ છે કે, 9 જૂનથી તમામ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પણે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે. જે બાદ પણ નિવૃત્તિને કારણે જે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, તેની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માટેની મંજૂરી આપવામાં આવે. રાજ્યમાં 5000 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ભણાવતી શાળાઓની પરિસ્થિતિ શિક્ષકો વિના ખૂબ જ ખરાબ બની છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો વહીવટ છેલ્લા લાંબા સમયથી ખાડે જતા શૈક્ષણિક અને વહીવટી કામો ઠપ્પ બની ગયા છે. રાજકોટ શિક્ષણાધિકારી કચેરીમાં શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના 450થી વધુ કેસો પડતર પડેલા છે. આચાર્યની પગાર પાયરી નિયત કરવામાં વિલંબ થઈ રહ્યો છે.નવી પેન્શન યોજના અંતર્ગત નિવૃત થતા ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને રજાનું રોકડમાં રૂપાંતરનો લાભ મળે તે અંગેના ઠરાવમાં સુધારો કરવાનો પ્રશ્ન હજુ જૈસે થે રહેવા પામેલ છે.

રાજકોટ શહેર જિલ્લાની 276 ગ્રાન્ટેડ શાળાઓ પૈકીની કેટલીક ગ્રાન્ટેડ સ્કૂલોની અગાઉના વર્ષની ગ્રાન્ટની ગણતરી હજુ બાકી રહેવા પામી છે. જેમાં 50 ગ્રાન્ટેડ શાળામાં આચાર્યો તો 150 શાળાઓમાં પટાવાળા અને ક્લાર્ક નથી. ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશનના મુદ્દે પટાવાળા, કલાર્ક કર્મચારીઓને આ કચેરી દ્વારા ધક્કાઓ ખવડાવવામાં આવી રહ્યા છે. એલટીસી, રજાનો લોકલ બિલો પડતર પડેલા છે. જિલ્લામાં શાળાઓના વ્યાયામ શિક્ષકોની સંખ્યા અને ખાલી જગ્યાઓ જાહેર કરવી જરૂરી છે તેમ છતાં આ બાબતે કાર્યવાહી કરવામાં આવતી નથી. વિદ્યાર્થીઓના નામ, અટક અને જન્મ તારીખમાં સુધારા બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here