અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. ગત સપ્તાહે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. અન્ય 23 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ છે. મહિલાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. સોલા સિવિલમાં કુલ 2 દર્દી સારવાર હેઠળ છે.બાળક જન્મ્યું ત્યારે માતા પોઝિટિવ હતી, જેના કારણે બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. બાળક અત્યારે બે દિવસનું છે. તેનું વજન ઓછું હોવાથી NICUમાં રાખવામાં આવ્યું છે. હાલ તેની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાળકની નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર ચાલી રહી છે.અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી પૈકી એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે. 8 મહિનાના બાળકને અનેક તકલીફ છે, જેથી તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે.રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસ સામે ડરવાની બિલકુલ જરૂર નથી, પણ સાવચેતી જરૂર રાખવી જોઇએ. અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ, પણ કોઈ એવી સ્થિતિ નથી અને વાઇરસનો વેરિયન્ટ ખતરનાક નથી એટલે હજુ કોઈ SOP બનાવી નથી. જો કોઈ લક્ષણો જોવા મળે તો પરિવાર કે અન્ય કોઈને ચેપ ન લાગે એ માટે પોતાને આઈસોલેટ કરી લેવા જોઇએ.ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે લક્ષણો જણાય ત્યારે તરત મેડિકલ ચેકઅપ કરાવી લેવું. આ ઓમિક્રોનનો વેરિયન્ટ છે અને બહુ એડવાન્સ સ્ટેજ સુધી બીમારી થાય તો જ જોખમી છે. તરત સારવાર મળી જાય તો આ સામાન્ય ન્યુમોનિયા જેવો જ છે. ભારતમાં બે વેરિયન્ટ જોવા મળ્યા છે અને એવા જ સિમ્પ્ટમ્સ ગુજરાતના કેસમાં છે એટલે ગુજરાતમાં પણ ઓમિક્રોનના સબ વેરિયન્ટ્સ LF.7 અને NB.1.8.1 હશે.રાજકોટમાં પણ કોરોનાનો કહેર યથાવત્ છે. આજે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. 2 મહિલા અને 6 પુરુષ સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યારસુધીના કુલ કેસની સંખ્યા 24 પર પહોંચી છે. છેલ્લા 3 દિવસમાં જ 19 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળ્યો છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.રાજકોટમાં કોરોનાના કેસોમાં અચાનક થયેલો ઉછાળો ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને છેલ્લા 3 દિવસમાં 19 નવા કેસ નોંધાવાને કારણે સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગ વધુ ગંભીર બન્યાં છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને પણ સાવચેતી રાખવા અને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here