ગાંધીનગરઃ ગુજરાતમાં દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. આ વખતે 18મી જુનથી ત્રિદિવસીય પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશોત્સવની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક બાદ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપાઉટનું પ્રમાણ ઘટાડવા માટે આ વખતે શાળા પ્રવેશોત્સવમાં સરકાર માધ્યમિક શાળાઓ પર વધારે ભાર મૂકશે. શાળા પ્રવેશોત્સવમાં રાજ્ય કક્ષાએથી આવેલા પદાધિકારી અધિકારી બે માધ્યમિક અને એક પ્રાથમિક શાળાની મુલાકાત કરશે.

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આગામી તા. 09 જૂનથી થશે. ત્યારે રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓ, અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી 18, 19, 20 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાશે. સવારે 8:00થી 9:30 પ્રાથમિક શાળાઓ, સવારે 10:00થી 11:30 માધ્યમિક શાળાઓ અને બપોરે 12:00થી 1:30 ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ થશે. જેમાં શાળાઓની સિદ્ધિઓ અને ભવિષ્યના આયોજન સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. જેમાં સીઇટી એનએમએમ એસ, ખેલ મહાકુંભ, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા બાળકોનું સન્માન કરવામાં આવશે. સાથે ગુણોત્સવ 2.0માં શાળાઓના મૂલ્યાંકનમાં શાળાઓની સ્થિતિ અંગે લોકોને વાકેફ કરાશે. શાળામાં કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ સહિતની સુવિધાઓ અને વર્ગખંડ બાંધકામ સહિતની જાણકારી આપવામાં આવશે.

પ્રવેશોત્સવમાં આવનારા અધિકારી પદાધિકારી શાળા પરિસરની મુલાકાત કરશે શાળા વ્યવસ્થાપન કમિટી અને શાળા સંચાલક મંડળ સાથે બેઠક પણ કરશે. શાળામાં પ્રવેશપાત્ર બાળકોનો હાલમાં સર્વે ચાલી રહ્યો છે. જે વિસ્તારમાં દીકરીઓનું નામાંકન ઓછું થાય છે તેવા વિસ્તારો અલગ તારવી તે વિસ્તારમાં વધુમાં વધુ દીકરીઓનું નામાંકન થાય તેવા સઘન પ્રયત્ન કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવનું સંચાલન એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી દ્વારા કરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here