દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન વડોદરામાં રોડ શો બાદ દાહોદ પહોંચ્યા હતા. જ્યાં રેલવે ફેક્ટરી એટલે કે લોકોમોટિવ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ જંગી જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ 140 કરોડ લોકોને પડકાર ફેંક્યો હતો. આપણા શૂરવીરોએ કરી બતાવ્યું.  આતંકવાદીઓએ જે કર્યું તેની સજા તેમને મળવાની જ હતી. ઓપરેશન સિંદૂર માત્ર સેન્ય કાર્યવાહી નહી પણ ભારતીય સંસ્કાર અને ભાવના છે. આતંકીઓએ સપનામાં પણ નહોતુ વિચાર્યું એવું થયું છે. 22 એપ્રિલનો બદલો માત્ર 22 મિનિટમાં લઈ લીધો. જે અમારી બહેનોના સિંદૂર ઉજાડશે એને કેમ છોડાય. જે દુનિયાએ નહોતુ જોયુ તે કરી બતાવ્યું છે.

સંબોધનનો પ્રારંભ કરતાં પીએમ મોદીએ કહ્યું કે બધાના તિરંગા ફરકતા રહેવા જોઇએ. કેમ છો બધા? જરા જોરથી જવાબ આપો. જોરમાં? દાહોદનો વટ પડી ગયો છે. આજે 26 મે છે. 2014માં આજના જ દિવસે મેં પહેલીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. થોડીવાર પહેલાં અહીં હજારો કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયા. એમાં સૌથી શાનદાર ઇલેક્ટ્રિક લોકોમેટિવ ફેક્ટરી છે. ત્રણ વર્ષ પહેલાં હું એનો શિલાન્યાસ કરવા આવ્યો હતો. ઘણા લોકોને તો ગાળો આપવાની ટેવ પડી ગઈ છે, એવું કહેતા હતા કે ચૂંટણી આવી એટલે શિલાન્યાસ કર્યો, કંઈ થશે નહીં, પરંતુ આજે પહેલો ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયો છે અને મેં એને લીલી ઝંડી બતાવી. આ દેશ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

વડાપ્રધાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘આજે ગુજરાતને વધુ એક ઉપલબ્ધિ હાંસલ થઈ છે. ગુજરાતના રેલ નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ થઈ ગયું છે. સાથીઓ, પહેલા તો મારે અહીંના લોકોનો આભાર માનવો છે. મને વચ્ચેથી મળવા બોલાવ્યો. અનેક જૂના લોકો મળ્યા અને જૂની જૂની વાતો. મારો દાહોદ સાથેનો સંબંધ રાજકારણમાં આવ્યા પછી નથી થયો, લગભગ 70 વર્ષ થયા હશે. બે-બે ત્રણ ત્રણ પેઢી સાથે કામ કરવાની તક મળી છે. આજે પરેલ 20 વર્ષ પછી ગયો. આખું પરેલ બદલાઈ ગયું છે.”પહેલાં હું આવું એટલે સૂર્યાસ્ત થાય ત્યારે મને એમ થાય કે સાઇકલ પર પરેલ જાઉં. વરસાદ પડ્યો હોય અને લીલોતરી થઈ ગઈ હોય અને એ સાંજ મને આનંદદાયક લાગતી. પરેલમાં સાથીઓ સાથેના ઘરે સાંજના રોટલા જમીને પાછો આવું, અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે સતત કામ કરતા રહીએ છીએ. મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે જે મેં સપનાં જોયાં હતાં એ આજે સાકાર થવાનું અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળે છે.

તેમણે આગળ કહ્યું, મોદીએ ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપી. આપણા શૂરવીરોએ એ કરી બતાવ્યું, જે દુનિયાએ દાયકાઓથી જોયું નહોતું. અમે સીમા પારના 9 આતંકી અડ્ડાને શોધી લીધા અને 22 તારીખે જે ખેલ ખેલ્યો હતો એને 6 તારીખે રાત્રે 22 મિનિટમાં ધૂળમાં મિલાવી દીધા. આ કાર્યવાહીથી પાકિસ્તાની સેનાએ દુસાહસ કર્યું તો આપણી સેના તેને પણ ધૂળ ચટાડી દીધી. અહી સેનાના નિવૃત્ત જવાનો આવ્યા છે. હું તેમને પણ સલામ કરું છું. હું દાહોદની ભૂમિથી સેનાના શૌર્યને નમન કરું છું. ભાગલા બાદ જે દેશનો જન્મ થયો એનું એકમાત્ર લક્ષ્ય ભારતથી દુશ્મની છે, ભારતને નુકસાન કરવાનું છે, ભારતથી નફરત છે, પરંતુ ભારતનું લક્ષ્ય ગરીબી દૂર કરવાનું છે, અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનું છે. ખુદને વિકસિત કરવાનું છે. વિકસિત ભારતનું નિર્માણ ત્યારે જ થશે, જ્યારે ભારતીય સેના મજબૂત હશે અને આપણી અર્થ વ્યવસ્થા દમદાર હશે. અમે આ જ દિશામાં કામ કરી રહ્યા છીએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here