અમદાવાદઃ વોલમાર્ક સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતના સાગરકાંઠે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા છે. બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાયા છે. માંગરોળ બંદર ખાતે બે હજાર બોટ પરત આવી ગઈ છે. ચોમાસા પુર્વે જ વાવાઝોડાની આગાહીના કારણે માછીમારીની સિઝન આ વખતે વહેલાસર પૂર્ણ કરી દેવામાં આવી છે. વાતાવરણમાં પલટાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં તંત્રને સાબદું રહેવા માટેની સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડાને ધ્યાને રાખી અનેક આયોજન કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં દરિયામાં ફિશિંગ માટે ગયેલા તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા માટેની સૂચના આપવામાં આવી હતી, તે અનુસંધાને માંગરોળ બંદર પર ગત રાતથી જ બોટ પરત આવવાની શરૂઆત થઈ ગઈ હતી. શનિવાર સાંજ સુધીમાં બે હજાર જેટલી બોટ બંદર પર લંગારી દેવામાં આવી છે. માછીમાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનાથી જ માછીમારીના ધંધામાં ખૂબ જ મંદી ચાલતી હોવાથી મોટાભાગની બોટ બંદર પર જ હતી, ફિશિંગ માટે ગઈ ન હતી. અમુક બોટ ફિશિંગ માટે ગઈ હતી તે પરત આવી ગઈ છે. હવે માત્ર બે બોટ છે તે લાંબા અંતર પર ફિશિંગ માટે ગઈ છે તેને પણ તાત્કાલિક પરત આવવા માટેની સૂચના આપી દેવામાં આવતા તે બોટ પણ પરત આવી ગઈ છે.

માંગરોળ બંદર પર જે બોટ આવી ગઈ છે તેને દરિયા માંથી બહાર કાઢવાની પણ પૂરજોશમાં સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટાભાગની બોટને નુકસાન ન થાય તે માટે દરિયામાંથી બહાર કાઢી લેવામાં આવી છે. હાલ જે બોટ કાંઠા પર છે તેને સલામત રીતે નુકસાન ન થાય તેમ રાખવામાં આવી હોવાનું માછીમારોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here