વડોદરા: જિલ્લામાં થોડા દિવસ પહેલા વાવાઝોડાને લીધે ગણા લોકોના કાચા મકાનો પરના પતરાના છાપરા ઊડી ગયા હતા. ત્યારે વાઘોડિયા તાલુકાના અંબાલી ગામમાં પણ વાવાઝોડામાં એક દંપતીના મકાનના પતરા ઉડી ગયા હતા. વાવાઝોડુ સમી ગયા બાદ અંબાલી ગામે એક દંપત્તી પોતાના મકાનમાં પતરા સરખા કરવા માટે મકાનની છત પર ચડ્યા હતા, અને પરિવારના બે લોકો તેમને મદદ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળીનો કરંટ લાગતા ઘરના મોભીનું મોત નીપજ્યું છે. જ્યારે પત્નીની પરિસ્થિતિ નાજૂક છે. અને સારવાર ચાલી રહી છે. વાઘોડિયા પોલીસને ઘટનાની જાણ કરાતા વઘુ તપાસ હાથ ઘરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે વાઘોડિયાના અંબાલી ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોને વીજળીનો કરંટ લાગતા એકનું મોત નીપજ્યુ છે. પતરાવાળા બે માળના મકાનની છત સરખી કરવા જતા આ ગોઝારી દુર્ઘટના ઘટી છે. પતરા પર સર્વીસ વાયર બ્રેક હોવાથી વીજ કરંટ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. એકબીજાને બચાવવા જતા કુલ ચાર લોકોને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ MGVCL ને કરવામા આવતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને વધુ કામગીરી હાથ ધરી હતી.
આ અંગે ગામના સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે, થોડા દિવસ પહેલા જે વાવાઝોડું આવ્યું હતુ. તેમાં આ પરિવારના ઘરના પતરા ઉડી ગયા હતા. જેથી ગઈકાલે સવારે વનરાજભાઈ અને તારાબેન પતરા સરખા કરવા માટે છત પર ચડ્યા હતા. તે સમયે થાંભલાવાળો સર્વિસ વાયર કપાયેલો હતો તેનાથી વાયરનો કરંટ સીધો પતરા પર ઉતર્યો અને આ બંનેને વીજળીનો કરંટ લાગ્યો હતો. જેના કારણે વનરાજસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. જ્યારે તારાબેન પરમારની હાલત નાજૂક છે અને તેમની સારવાર ચાલી રહી છે. 56 વર્ષના તારાબેન ચંદ્રસિંહ પરમારની સ્થિતિ ગંભીર છે. હાલ તેમની સારવાર ICUમાં ચાલી રહી છે. જ્યારે 38 વર્ષના પ્રવીણભાઈ ચંદ્રસિંહ પરમાર અને 45 વર્ષના પ્રકાશભાઈ પર્વતભાઈ પરમારની સ્થિતિ સામાન્ય છે. હાલ આ ત્રણેયની સારવાર ચાલી રહી છે.