રાજકોટઃ રાજ્યમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. અને રાજકોટ શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિ. દ્વારા શહેરમાં વરસાદથી ભયગ્રસ્ત બની શકે તેવી 3,334 મિલ્કતોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જર્જરિત હોય એવા મકાનમાલિકોને  ટુંક સમયમાં નોટીસ આપવાનું શરૂ થશે આ ઉપરાંત શહેરમાં વરસાદને લીધે જે વિસ્તારોમાં પાણી ભરાય છે, એવા સ્થળોને લોકેટ કરીને વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે.

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રિ-માન્સુનની કામગીરી વહેલા શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિ. કમિશનરે અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં જર્જરીત બાંધકામો અને ફાયર સેફટી અંગે અપાયેલી નોટીસનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.દર વર્ષે સરકારી કવાર્ટર સહિતની મિલ્કતોને સલામત કરવા નોટીસ આપવામાં આવે છે. ગત વર્ષે હાઉસીંગ બોર્ડ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કવાર્ટર ખાલી પણ કરાવવામાં આવ્યા હતા. શહેરમાં હાલની સ્થિતિએ 3334 મિલ્કતો ભયગ્રસ્ત છે. જેમાં વેસ્ટ ઝોનમાં 1849 આવી મિલ્કતોમાં લક્ષ્મીનગર મ્યુનિ. કવાર્ટર પણ સામેલ છે. ત્યાં પણ ગત વર્ષે નોટીસ આપવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં 735 મિલ્કતોનું લીસ્ટ છે. દૂધસાગર રોડના હાઉસીંગ બોર્ડના કવાર્ટરને દર વર્ષે નોટીસ આપવામાં આવે છે. સેન્ટ્રલ ઝોનમાં  750 મિલ્કત ભયગ્રસ્ત છે. જેમાં ગોકુલધામ, આનંદનગર કવાર્ટરનો સમાવેશ થાય છે. આ મિલકતોને નોટીસ આપવાનું શરૂ કરાયું છે. ગત વર્ષે કેટલાક આસામીઓએ રીપેરીંગ શરૂ કર્યુ હતું. છતાં હજુ મોટી સંખ્યામાં મિલ્કતો જર્જરીત છે. જેથી નવી નોટીસો પણ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here