ભૂજઃ કચ્છમાં નર્મદાની કેનાલો દ્વારા સિંચાઈનો લાભ મળતા જિલ્લાના કૃષિ ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. સિંચાઈના પાણી મળી રહેતા ખેડુતોએ ઉનાળુ વાવેતર પણ સારા પ્રમાણમાં કર્યું છે. જોકે જિલ્લામાં બ્રાન્ચ કેનાલોને મરામત કરવાની જરૂરિયાત ઊભી થતા કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું. કેનાલોનું મોટાભાગનું મરામતનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેથી આગામી 15મી મે બાદ બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવશે.

કચ્છના માંડવી તાલુકાના મોડકુબા સુધી પહોંચેલી નર્મદાની કચ્છ શાખા નહેર ખેતી માટે ખૂબ મહત્વની બની છે. બે મહિના માટે રીપેરીંગ કામ સબબ નર્મદાનું પાણી વિતરિત કરવાનું બંધ કરવામાં આવ્યું હતું. જે આગામી અઠવાડિયામાં રાધનપુર પાસે થતી મરમ્મતની કામગીરી પૂર્ણ થઈ જતા ફરીથી નર્મદાના નીર વહેતા થશે તેવું સરદાર સરોવર નિગમ લિમિટેડના સૂત્રોએ જણાવ્યું હતું.

કચ્છ શાખા નહેર કે જે ચેનેજ 0 થી 82 સુધી બનાસકાંઠા અને પાટણમાંથી પસાર થાય છે અને ચેનેજ 82 થી 357 કચ્છના રાપર થી માંડવી તાલુકાના મોડકુબા સુધીની છે તેમાં 1લી એપ્રિલથી પાણી બંધ કરવામાં આવ્યું હતું. કેબીસીમાં પડેલી તિરાડો અને ગાબડા પુરવા માટે આ પાણી બંધ કરવામાં આવ્યું હતું. જોકે સરદાર સરોવર નિગમના કચ્છ વિભાગ ના અધિક્ષક ઇજનેર અરમાન સાવલિયાએ જણાવ્યું હતું કે, ચેનેજ 82 થી 357 સુધીની કચ્છની શાખા નહેરમાં ક્યાંય પણ રીપેરીંગનું કામ નથી. આઉટર સાઇડકામ છે તે માટે નર્મદાના પાણી વહેતા હશે તો પણ કામગીરી થઈ શકશે માટે જ્યારે પણ 0 થી 82 નું કામ સંપૂર્ણ થશે ત્યારે પાણી છોડવામાં આવશે.

થરાદ વિભાગના કાર્યપાલક ઇજનેરના કહેવા મુજબ સમગ્ર કામગીરી રાધનપુર સર્કલ અંતર્ગતની ચાલે છે તે પૂર્ણ થતા મુખ્ય કેનાલમાંથી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવશે. 15 મે પછી તાત્કાલિક પાણીનું વિતરણ શરૂ થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here