અમદાવાદઃ પાકિસ્તાન સામે યુદ્ધની સ્થિતિ  સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાના કલેકટરો અને જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરીને જરૂરી સુચના આપી હતી. દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આગામી 15 મે સુધી કોઇપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે ગાઇડલાઇનનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરી છે.

ભારત અને પાકિસ્તાન ચાલી રહેલા તણાવની સ્થિતિને જોતાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 15 મે સુધી કોઈપણ કાર્યક્રમ કે આયોજનમાં ફટાકડા કે ડ્રોનને મંજૂરી આપવામાં આવશે નહીં. લગ્ન પ્રસંગમાં પણ ફટાકડા ફોડી શકાશે નહી, આ પ્રતિબંધ તા. 15મી મે સુધી અમલમાં રહેશે.

ભારત-પાક વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને લીધે ગુજરાત સરકારના તમામ વિભાગો અને કચેરીઓ તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વાયત્ત અને ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે.

ગુજરાત ઉપરાંત રાજસ્થાનના જેસલમેર સહિતના ઘણા સરહદી વિસ્તારોમાં આગામી 15મી મે સુધી લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત માઉન્ટ આબુમાં બ્લેક આઉટ માટે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત સહિતના અન્ય રાજ્યમાંથી આવેલા પ્રવાસીઓને રાત્રિના 7 વાગ્યા પહેલાં પોતાના હોટલમાં પરત ફરવા અને લાઇટો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here