ગાંધીનગરઃ 8મી મે એટલે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી અંગે નાગરિકોને જાગૃત કરવા માટેનો “આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ”. થેલેસેમિયા એક અસાધ્ય વારસાગત રક્ત વિકાર રોગ છે, જે શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણ ઉપર સીધી અસર કરે છે. લોકજાગૃતિ થકી આ ભયાવહ રોગના પ્રમાણમાં ઘટાડો આવે તેમજ આ રોગ વિશે નાગરિકોની અજ્ઞાનતા દૂર થાય તે માટે દર વર્ષે 8મી મે ના રોજ આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઇપણ માતા-પિતા પોતાના સંતાનને લોહીની બોટલના બંધનમાં ફસાયેલા જોવા નથી માંગતા, પરંતુ થેલેસેમિયા જેવા વારસાગત રક્ત વિકાર રોગ અંગેની જાગૃતતાનો અભાવ હોવાથી વિશ્વભરમાં અનેક બાળકો થેલેસેમિયા જેવા જીવલેણ રોગ સાથે જ જન્મે છે.

આજે દેશ-દુનિયા સહિત ગુજરાત રાજ્ય પણ થેલેસેમિયા જેવી અસાધ્ય બીમારીને જડ-મૂળથી નાબૂદ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ સાથે મળીને થેલેસેમિયા અંગે લોકજાગૃતિ કેળવવાનું કામ કરી રહી છે. મોટાભાગના લોકો થેલેસેમિયા અંગે અજાણ હોવાથી તેમના મનમાં સૌથી પ્રથમ એક જ પ્રશ્ન ઉભો થાય કે, થેલેસેમિયા શું છે અને આ રોગ ગંભીર કેમ છે?…તો આવો આજે વિસ્તારપૂર્વક જાણીએ થેલેસેમિયા રોગ અંગેની કેટલીક મહત્વપૂર્ણ વાતો.

થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનાવવામાં નિષ્ફળ જાય છે. સામાન્ય રીતે આપણા લોહીમાં લાલ રક્ત કણમાં હિમોગ્લોબીન નામનું એક પ્રોટીન હોય છે, જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આપણે જે ખોરાક લઈએ તેમાંથી લોહતત્વ મળે છે અને હાડકા વચ્ચે રહેલી અસ્થિમજ્જા (બોનમેરો) આ લોહતત્વને હિમોગ્લોબીનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે.

ભારતમાં આશરે 4 કરોડથી વધુ લોકો થેલેસેમિયા કેરિયર છે. જેમાં 10 માંથી 8 લોકોને તો ખબર પણ નથી હોતી કે તેઓ થેલેસેમિયા કેરિયર છે. એટલા માટે જ, થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવો એ કોઇપણ વ્યક્તિના જીવન અને તેના પરિવારના ભવિષ્ય માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. થેલેસેમિયા મેજર, થેલેસેમિયા માઈનર એક રોગ નહિ પણ રંગસૂત્રોની વિકૃતિ છે, જ્યારે થેલેસેમિયા મેજર એક જીવલેણ રોગ છે. જો પતિ-પત્ની બંને થેલેસેમિયા માઈનર હોય તો તેમના સંતાન થેલેસેમિયા મેજર હોવાની શક્યતાઓ ૨૫ ટકા જેટલી હોય છે. આ ઉપરાંત પતિ-પત્ની બંનેમાંથી કોઈ એક થેલેસેમિયા મેજર હોય તો પણ બાળક થેલેસેમિયા મેજર જન્મે તેની શક્યતાઓ વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here