ગાંધીનગરઃ કૈવલ જ્ઞાન પિઠાધીશ્વર જગતગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજની ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચોથી વાર વરણી થતાં તેમનો સન્માન સમારોહ અમદાવાદના થલતેજ ખાતે શ્રી રામધામ પરિસરમાં યોજાયો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અવસરે પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓને સજીવન કરવાનો મહાયજ્ઞ આરંભ્યો છે. તેમણે ધર્મસેવા સાથે જનસેવાને જોડીને વિકાસ સાથે વિરાસતનો ધ્યેય આપ્યો છે અને દેશની આધ્યાત્મિક-ધાર્મિક વિરાસતોનું વિશ્વભરમાં ગૌરવગાન કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની આ પરીપાટીને પરિણામે ગયા મહીને ભગવદ ગીતા અને મહર્ષિ ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્રની પાંડુલિપિઓને યુનેસ્કો દ્વારા “મેમોરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટર”માં સ્થાન આપવામાં આવ્યું. આ માત્ર ગ્રંથોનું સન્માન નથી પણ આપણા રાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિને વૈશ્વિકસ્તરે મળેલી સ્વીકૃતિ છે.
તેમણે ઉમેર્યું કે, ભારતની પુણ્યશાળી ભૂમિ સદીઓથી ધર્મપ્રીતિથી ઝળહળતી રહી છે. આ વર્ષે વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં તીર્થરાજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભથી ભારતની એક્તા અને સંસ્કૃતિની સમગ્ર વિશ્વને ઓળખ થઈ. આ મહાકુંભમાં દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓએ સાધુ-સંતો-તપસ્વીઓના દર્શન કરી આસ્થાની ડૂબકી લગાવી છે.