અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે તાપમાન 42 ડિગ્રીથી 43 ડિગ્રી જેટલું રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે 3થી 6 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે માવઠાંની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાંનું જોર વધુ રહેવાની શક્યતા છે. આમ વાતાવરણમાં ફરીવાર પલટો આવશે. માવઠું પડશે તો કેરીના પાકને નુકશાન થવાની ભીતી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે વાતાવરણમાં ફરીવાર પલટો આવશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, કરા અને પવન સાથે માવઠાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માવઠાંની આગાહીને પગલે હવામાન વિભાગ તરફથી ખેડૂતોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તોફાની પવનના જોરથી પાકને નુકસાનની શક્યતા હોવાથી હવામાન ખાતાએ ખેડૂતોને સૂચના આપી છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી લે. ખાસ કરીને ખેતરોમાં નરમ પડેલા પાકો અને તૈયાર મગફળી, કપાસ કે ફળોના બાગાયત માટે સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.

હવામાન વિભાગે 3 મેથી 6 મે વચ્ચે માવઠાની આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન પણ ફુંકાશે. પવનની ગતિ 30-35 કિમી પ્રતિ કલાકની રહેશે.  રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાનની આગાહી કરનારા પરેશ ગોસ્વામીના કહેવા મુજબ હવામાનમાં મોટો પલટો આવશે. 3 મે 2025 થી 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમા ગાજવીજ અને પવન સાથે માવઠાનો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે. દક્ષિણ પાકિસ્તાન પર એક સિસ્ટમ બની છે. જેથી 3 થી 9 મેના રોજ માવઠું થશે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ કચ્છમાં અસર થશે. ગાજવીજ-તોફાની પવન પણ જોવા મળી શકે છે, ખેડૂતોએ પણ સાવચેતી રાખવી જોઈએ જેથી તૈયાર પાકને બગડતો અટકાવી શકાય.  (File photo)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here