જામનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29 મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી 1841 વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાઘિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી. ઉત્તમ સ્વાસ્થ્ય થકી જ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા શક્ય બને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ શરીરનું સ્વસ્થ હોવું આવશ્યક છે. ત્યારે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટે અકલ્પનિય કામ કર્યું છે. ભારતના ઋષિઓ રિસર્ચ સ્કોલર હતા, જેઓએ દરેક ક્ષેત્રમાં સંશોધનો કર્યા અને આયુર્વેદને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યું હતું.
આયુર્વેદના ‘લંધનમ પરમ ઔષધમ’ના મંત્રને જીવનમાં ઉતારવાનું કહી તેનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ઉચિત આહાર-વિહાર અને જીવન શૈલી થકી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવી શકાય છે. રાજ્યપાલએ સૌને આયુર્વેદ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી વૈદિક ઋષિઓએ આપેલી આ અણમોલ ચિકિત્સા પદ્ધતિ તરફ વળવા અને રોજિંદા જીવનમાં તેને અપનાવવા અનુરોધ કર્યો હતો.
એલોપેથી તેમજ રસાયણોથી બનેલી દવાઓ રોગો તથા દર્દોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદની અનુપમ વિદ્યા સંપૂર્ણ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે. આજે ભેળસેળયુક્ત ખોરાક, અવ્યવસ્થિત જીવનશૈલી તેમજ આહાર વિહારના દુરુપયોગને કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બન્યું છે. ત્યારે, આયુર્વેદે આપેલા સંયમ અને ચિકિત્સા પદ્ધતિ આપણને રોગોમાંથી કાયમી મુક્ત કરી સ્વસ્થ જીવન આપી શકે છે તેમ જણાવી આયુર્વેદના પંચકર્મ અને ચિકિત્સા પદ્ધતિ થકી મેળવેલ સ્વસ્થતા વિશેના પોતાના અનુભવો રાજ્યપાલએ વર્ણવ્યા હતા.