જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. સિઝનમાં પ્રથમવાર ગીર પંથકમાંથી કેરીના 200થી વધુ વધુ બોક્સ આવક થઈ છે. હરાજીમાં દસ કિલોના બોક્સના 1200થી 1800 રૂપિયા લેખે વેંચાણ થયું હતું. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વખતે આંબામાં મથીયો રોગને લીધે કેસર કેરીની આવકમાં થોડો વિલંબ થયો છે.

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. જો કે, નિયમીત કેરીની આવક થતા હજુ બે સપ્તાહ જેટલો સમય લાગશે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બાગાયતદાર ખેડુતોના કહેવા મુજબ  ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું છે, જેમાં કેસર કેરીની આવક ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછી રહેશે તેવી શક્યતા છે. છેલ્લા 8-10 વર્ષથી ગ્લોબલ વોર્મિંગની જે નકારાત્મક અસર થઈ રહી છે તેમાં સૌથી વધારે ગીરની કેસર કેરીના ઉત્પાદનમાં પણ જોવા મળી રહી છે. દર વર્ષે કેરીના ઉત્પાદનમાં થતો ઘટાડો તેમજ વારંવાર મોર ફૂટવા, કમોસમી વરસાદ અને રોગ જીવાતની વિપરીત પરિસ્થિતિમાં ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

ગીર સોમનાથના ઊના પંથકમાં પ્રતિકુળ હવામાનને લીધે મોરનું ફ્લાવરિંગ બળી જતાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડુતો કહી રહ્યા છે. આ અંગે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી. તાલુકાના ગરાળ, મોઠા, સંજવાપુર, સામતેર, કાણકબરડા, ઉટવાળા, પસવાળા, સનખડા, ગાંગડા, અંજાર, ખત્રીવાડા, પાતાપુર, આમોદ્રા, ઉમેદ સહિતના ગામોના ખેડૂતો બાગાયત ખેતી પર નિર્ભર છે. કેરીના બગીચાઓમાં પ્રારંભીક તબક્કે આંબાના વૃક્ષો પર પુષ્કળ પ્રમાણમાં મોર ફુટી નીકળ્યા હતા. પરંતુ ત્યારબાદ ખરાબ વાતાવરણને લીધે મોરનું ફલાવરીંગ બળી જતા કેરીનું બંધારણ બને તે પહેલા જ ખરી જતા વ્યાપક નુકસાની થઈ છે. પ્રતિકુળ હવામાનથી કેરીના ફાલને માઠી અસર થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વર્ષે એક વખત કેરીનો પાક આવતો હોય છે, પરંતુ ફાલને માઠી અસર થવાને લીધે ખર્ચ અને ખાતરના પૈસા પણ મળે તેમ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here