સુરતઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં જંગલ વિસ્તારમાં પ્રાણીઓને પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા 90 જેટલા કૃત્રિમ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. અને સમયાંતરે ટેન્કરો અને હેડપંપથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
સુરત અને તાપી જિલ્લામાં દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓને જંગલમાં જ પૂરતો ખોરાક અને પાણી મળી રહે, તે માટે ઉનાળાની સિઝનમાં સુરત જિલ્લામાં 40 અને તાપી જિલ્લામાં 50 જેટલા કૃત્રિમ વોટર પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, દીપડાને ખોરાક મળી રહે તે માટે હર્બીવરસ (શાકાહારી) પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરાયા છે.
સુરત વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ હાલમાં માત્ર સુરત રેન્જમાં 140 જેટલા દીપડાઓનો વસવાટ છે, જ્યારે 2016માં આ સંખ્યા માત્ર 40 હતી. દીપડાની વધતી સંખ્યાને કારણે હવે તેમની અવરજવર સુરત શહેરના નજીકના છેવાડાના વિસ્તારોમાં વધી રહી છે, જેને લઈને વન વિભાગ દ્વારા દીપડા માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી દીપડા ખોરાક અને પાણીની શોધમાં શહેરી વિસ્તાર સુધી આવી ન શકે,
ઉનાળામાં દીપડાને પૂરતું પાણી અને ખોરાક જંગલમાં જ મળી રહે અને તે શહેર નજીક ન આવે તે માટે સુરત અને તાપી જિલ્લામાં 90 જેટલા વોટર પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. ટેન્કર અને હેન્ડ પંપની મદદથી અહીં પાણી રિફિલ કરવામાં આવે છે, જેથી પાણીની શોધમાં દીપડા શહેર નજીકના વિસ્તારોમાં ન આવે. અહીં ખોરાકની વ્યવસ્થા માટે અન્ય પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરાયા છે, જેથી આવા પ્રાણીઓ કાળક્રમે દીપડાના ખોરાક રૂપે મળી રહે છે.