રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કાલાવડ વિસ્તારમાં બન્યો હતો. જેમાં કારએ બાઈકને ટક્કર મારતા બાઈકસવાર શ્રમજીવી યુવાનું મોત નિપજ્યું હતુ. પોલીસે કારચાલક સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કોસ્મો પ્લેક્સ સિનેમા સામે આવેલી સરાજા હોટેલ પાસે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે યુટર્ન લેતા બાઈકને ટક્કર મારતા સોરઠીયા વાડી સર્કલ પાસે રાજ પાઉંભાજી નામની લારી ચલાવતા બાઈકસવાર યુવકનું ગંભીર ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નીલકંઠ ટોકીઝ પાસે મેહુલનગરમાં રહેતા અને સોરઠીયાવાડી સર્કલ પાસે રાજ પાઉંભાજી નામની રેંકડી રાખી વેપાર કરતા શૈલેષભાઇ હાસાનંદભાઈ બુલવાણી (ઉ.વ.44) નામનો યુવાન સોરઠીયા વાડી સર્કલ ખાતે આવેલી પોતાની પાઉંભાજીની રેંકડીએથી રાત્રીના 11 વાગ્યે ત્યાં જ કામ કરતા મહિલા સોનલબેન રાઠોડને બાઇકમાં બેસાડી સરાજા હોટેલ પાસે બેકરીમાં પાઉં લેવા માટે જતા હતા. ત્યારે સરાજા હોટેલ સામે યુ ટર્ન લેતી વખતે કારચાલકે પુરપાટ ઝડપે બાઇકને ટક્કર મારતા બાઈકસવાર યુવાન અને મહિલા રોડ પર પટકાયા હતા. અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.  અને બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની પરિવારને પણ જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. જેમાં સારવાર દરમિયાન બાઈકસવાર શૈલેષભાઇનું મોત નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા સોનલબેનને સામાન્ય ઇજા થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

આ બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે મૃતકના ભત્રીજા રાહુલભાઈ રમેશભાઈ બુલવાણીની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here