રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં વિદેશી જાતિના કૂતરાઓ પર સટ્ટો રમતા 81 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક (SP) અરશદ અલીએ શનિવારે માહિતી આપી હતી કે શુક્રવારે મોડી રાત્રે ચક બુધ સિંહ વાલા રોહી સ્થિત એક ફાર્મ હાઉસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં શ્વાન પર સટ્ટો રમાડવામાં આવતો હતો.
એસપીએ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન 15 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને કેટલાક આરોપીઓ પાસેથી લાયસન્સવાળા હથિયારો પણ મળી આવ્યા હતા. દરોડા દરમિયાન ઘણા આરોપીઓ દિવાલ કૂદીને નાસી છૂટ્યા હતા. ધરપકડ કરાયેલા મોટા ભાગના આરોપીઓ પડોશી રાજ્યો પંજાબ અને હરિયાણાના રહેવાસી છે, જેઓ પોતાના અંગત વાહનોમાં કૂતરાઓને લઈને આવ્યા હતા.
દરોડા દરમિયાન ઘણા કૂતરા ઘાયલ જોવા મળ્યા હતા. આ કૂતરાઓની સારવાર ચાલી રહી છે અને તેમને પોલીસની દેખરેખ હેઠળ ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે. આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.