અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના જેતલપુર ખાતે એડીસી બેંકનો સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે એડીસી બેંક દ્વારા ‘બી અવેર, બી સિક્યોર’ના મંત્ર સાથે શરૂ કરવામાં આવનાર સાયબર સેફ્ટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું તેમજ જેતલપુર સેવા સહકારી મંડળીના સુપર મોલનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરાવ્યો આવ્યો હતો.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ બૅંકના શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, 25 વર્ષ પહેલાં એડીસી બૅંક ખોટમાં ચાલતી હતી, ત્યારે ખેડૂતો અને પશુપાલકોએ મારા પર વિશ્વાસ મૂકી મને બૅંકનો ચેરમેન બનાવ્યો હતો. એ વખતે સૌના સાથ-સહકાર અને સુચારુ આયોજન થકી એક જ વર્ષમાં બૅંક ખોટ પૂરીને નફો કરતી થઈ. ત્યાર પછી ક્યારેય પાછું વળીને નથી જોયું અને ગયા વર્ષે બૅંકે 100 કરોડનો નફો કર્યો છે.
અમિતભાઈએ કહ્યું કે, આ નાના માણસની મોટી બૅંક છે. ખેડૂતો અને પશુપાલકોની પાંચ પેઢીઓએ પોતાના પરસેવાથી આ બૅંકને સીંચી છે અને બૅંકને ઝીરો નોન પરફોર્મિંગ એસેટ્સવાળી બૅંક બનાવી છે. છેલ્લાં ૨૫ વર્ષમાં બૅંકે અનેક નવા આયામો અને શિખરો સર કર્યાં છે દેશની 260 સહકારી બૅંકોમાંથી રિઝર્વ બૅંકની ગાઇડલાઇન પ્રમાણે 100 ટકા ઈ-બૅંન્કિંગ લાગુ કરનારી એકમાત્ર બૅંક છે. આજે બૅંકનું ટર્નઓવર રૂ. 17 હજાર કરોડથી પણ વધુનું થયું છે.