ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરજબારી નેશનલ હાઈવે પર જુના કટારિયા ગામના પાટિયા પાસે અકસ્માતનો વિચિત્ર બનાવ બન્યો હતો, એક ટ્રક અજંતા બ્રિજની રેલીંગ સાથે અથડાઈ હતી. દરમિયાન પાછળ આવી રહેલા ટ્રેલર અને તેની પાછળ આવી રહેલી ટ્રક અથડાઈ હતી દરમિયાન એક ટ્રકનોચાલક ટ્રકને કેટલું નુકશાન થયું છે. તેની તપાસ કરી રહ્યો હતો ત્યારે પૂરફાટ ઝડપે આવી રહેલા ટેમ્પાએ ટ્રકચાલકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. એક પછી એક સાત વાહનો એકબીજા સાથે અથડાતા હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

કચ્છ-સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર  સવારે 8:30 કલાકે  અકસ્માત સર્જાયો હતો. જુના કટારીયા ગામના પાટિયા નજીક અજંતા બ્રિજ પર કચ્છ તરફ આવતી ટ્રકનું સ્ટેરિંગ ફેલ થતાં તે હાઈવે પરની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ પાછળથી આવતી અન્ય એક ટ્રક અને ટ્રેલર પણ અથડાયા હતા. અકસ્માતના કારણે સુરજબારી તરફના માર્ગે 4થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી.આ જ સ્થળે અન્ય એક ટ્રક પણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતગ્રસ્ત ટ્રકનું નિરીક્ષણ કરી રહેલા ચાલકને પાછળથી આવેલા ટેમ્પોએ ટક્કર મારી હતી. આ ટક્કરમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાકડિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સામખિયાળી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં એક એસટી બસ પણ અકસ્માતનો ભોગ બની છે. કુલ સાત જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here