અમદાવાદઃ ‘ઘોરાડ’ પક્ષી મળ રૂપે ભારતીય પક્ષી છે. સમગ્ર પૃથ્વી પર હાલમાં કુલ 250થી પણ ઓછા ઘોરાડ પક્ષી બચ્યા છે. આ પક્ષી આશરે ૧ મીટર જેટલું ઊંચું હોય છે. ગુજરાતમાં ઘોરાડનું નામ પડે એટલે તરત જ કચ્છનું નામ સામે આવે, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે કચ્છમાં નામમાત્રનાં ચાર ઘોરાડ પક્ષીના બચ્યાં હોવાનું કહેવાય છે. તાજેતરમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોરાડ પક્ષીઓનું સ્મરણ કર્યું અને સંવર્ધનની સૂચના આપી હતી.

નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે ચિત્તા મુદ્દે અગાઉ થયેલી જાહેરાત મુદ્દે તેમણે મધ્યપ્રદેશમાં ગાંધીસાગર અભયારણ્ય અને ગુજરાતમાં બન્નીનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ ઘોરાડ સંરક્ષણના પ્રયાસોને વધારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે નેશનલ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કન્ઝર્વેશન એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. આ સાથે જ વન્યજીવ સંરક્ષણ વ્યૂહરચના અને મંત્રાલય માટે ભવિષ્યની કામગીરીનો રોડમેપ તૈયાર કર્યો હતો. રીંછ, ઘરિયાલ અને ઘોરાડના સંરક્ષણ અને વિકાસ પર કામ કરવા વિવિધ ટાસ્ક ફોર્સની રચના કરવા પણ જણાવ્યું હતું.

નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની બેઠકમાં ઘોરાડના બ્રિડીંગ પ્રોગ્રામને અગ્રીમતા આપવા મુદ્દે ચર્ચા થઇ હતી. વર્ષ 2013માં તત્કાલીન સી.એમ નરેન્દ્ર મોદીએ કચ્છના ઘોરાડનું નજરાણું ગણાવી, તેની સંખ્યા વધારવા નેમ વ્યક્ત કરી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં જોઈન્ટ સેક્રેટરીથી લઈને અંડર સેક્રેટરી સહીત અધિકારીઓ અને નિષ્ણાતો સમાવિત કરતી નિષ્ણાત કમિટી કચ્છ આવી હતી. જેમાં ઘોરાડના છેલ્લા દાયકાઓમાં મૃત્યુ, વીજલાઇન અને અન્ય પરિબળો સહીત મુદ્દાઓ સામેલ હતા. જો કે હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. આ રિપોર્ટ ગુજરાતમાં ઘોરાડનું ભવિષ્ય નક્કી કરવા મહત્વપૂર્ણ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here