ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23માં રૂ. 8233 કરોડ અને વર્ષ 2023-24માં રૂ. 9771 કરોડ એમ કુલ બે વર્ષમાં રૂ. 18,0004 કરોડની સબસિડી આપવામાં આવી છે.
ઊર્જા મંત્રીએ કહ્યું કે આપણો ખેડૂત ખેતરમાં દિવસ-રાત મજૂરી કરીને વિવિધ ખેતપેદાશો દ્વારા સમાજની જરૂરિયાતો પૂરી પાડે છે. ખેડૂતોને તેમની ખેત-પેદાશોની પડતર કિંમત નીચી આવે અને યોગ્ય વળતર મળી રહે તેમજ પરોક્ષ રીતે સામાન્ય વ્યક્તિઓને પણ સસ્તી ખેતપેદાશો થકી ફાયદો થાય તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વીજ બિલમાં વિવિધ રાહતો આપવામાં આવે છે.
રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણો અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. આમ હાલમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા 21 લાખથી વધુ છે. તદુપરાંત રાજ્યના ખેડૂતોને વીજ દરના તફાવતની રકમ, ઇલેક્ટ્રિસિટી ડયુટી તેમજ ફયુઅલ સરચાર્જ ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં ખેડૂતોના વીજ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી જે સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લાં બે વર્ષમાં વીજ બિલમાં સબસિડી મુદ્દે મંત્રીએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ 2023માં 43,468 ખેડૂતોને રૂ.701.44 કરોડ તથા વર્ષ 2024માં 44,471 ખેડૂતોને રૂ.637.65 કરોડની એમ કુલ રૂ.1339.09 કરોડની સબસિડી આપવામાં આવી છે. એ જ રીતે, અમરેલી જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ-2023માં 1,32,463 ખેડૂતોને રૂ. 377.41 કરોડ તથા વર્ષ-2024માં 1,35,793 ખેડૂતોને રૂ. 339,28 કરોડની એમ છેલ્લાં બે વર્ષમાં કુલ રૂ. 716,69 કરોડની સબસિડી આપવામાં આવી છે.