અમદાવાદઃ વર્ષ 2023માં કેન્દ્ર સરકાર દ્વારા દરિયાકિનારાનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચેર (મેન્ગ્રૂવ)ના વૃક્ષોના વિસ્તરણ સાથે દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવા માટે ‘મિષ્ટી’ (મેન્ગ્રૂવ ઇનિશિયેટિવ ફોર શોરલાઈન હેબિટેટ્સ એન્ડ ટૅન્જિબલ ઇન્કમ્સ) યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં આશરે 19,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
કેન્દ્ર સરકાર દ્વારા 5 જૂન, 2023ના રોજ પર્યાવરણ દિન નિમિત્તે દરિયાકિનારાનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તારોમાં ચેર (મેન્ગ્રૂવ) વાવેતર, મેન્ગ્રૂવ વિસ્તારોનું મૅપિંગ, મેન્ગ્રૂવ વિસ્તારોની ભૌગોલિક તથા હાઇડ્રોલોજી સ્થિતિ ચકાસવી, નર્સરી સ્થાપના, જનજાગૃતિ કાર્યક્રમો, તાલીમ અને સંશોધન, મોનિટરિંગ તથા ઈકો ટૂરિઝમ સ્થળો વિકસાવવાના ઉદ્દેશથી MISHTI યોજના અમલમાં મૂકવામાં આવી હતી.
‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ₹76 કરોડથી વધુના ખર્ચે રાજ્યના આશરે 19,020 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મેન્ગ્રૂવ કવરના વિસ્તરણ અંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની નેમને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાના પરિણામે કેન્દ્ર સરકારની ‘મિષ્ટી’ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે.”
મેન્ગ્રૂવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે, જેમાં ખારા પાણીમાં ઊગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, જે પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઇકોસિસ્ટમ્સ દરિયાઇ જીવસૃષ્ટિને ટેકો આપવા, દરિયાકાંઠાની જમીનને સ્થિર કરવા, ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. એક અંદાજ મુજબ, માછલીઓ અને પક્ષીઓ સહિત લગભગ 1500 પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેન્ગ્રૂવ્સ પર નિર્ભર છે, જેઓ મેન્ગ્રૂવ વૃક્ષો નીચેના છીછરા પાણીનો પ્રજનન નર્સરી તરીકે ઉપયોગ કરે છે. તો વાંદરાઓ, સ્લોથ, વાઘ અને જરખ જેવા મોટા સસ્તન પ્રાણીઓ માટે પણ મેન્ગ્રૂવ મહત્વપૂર્ણ છે.