મોરબીઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શામ, દામથી કેટલીક બેઠકો બિન હરીફ મેળવી લીધી છે. ત્યારે મોરબીના વાંકાનેર નગરપાલિકાની કૂલ 28 બેઠકોમાંથી ભાજપે 11 બેઠકો બિન હરીફ મેળવી લીધી છે. બીજીબાજુ વાંકાનેરના નાગરિકો ચૂંટણી માટે નિરસ જોવા મળી રહ્યા છે. હાલ ચૂંટણીનો કોઈ માહોલ જામતો નથી. ભાજપ છેલ્લા બે દાયકાથી શાસન પર હતું ત્યારબાદ વહિવટદારનું શાસન આવ્યું અને હવે આ ચૂંટણીમાં ભાજપે 11 બેઠકો બિન હરીફ મેળવતા ભાજપ બીજીવાર પણ સત્તા સંભાળે એવા ઉજળા સંજોગો છે.
વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્થ સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 16 તારીખે મતદાન થવાનું છે. જોકે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં પણ આજની તારીખે વાંકાનેર શહેરી વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જોવા મળતો નથી. ચૂંટણી નીરસ હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ચૂંટણી જાહેર કરવામાં આવે એટલે ઉમેદવારોમાં ચૂંટણી લડવા માટેનો ઉત્સાહ જોવા મળતો હોય છે અને મતદારોમાં જો શાસક પક્ષે સારું કામ કર્યું હોય તો તેને રીપીટ કરવા માટે અને જો નબળી કામગીરી કરી હોય તો તેને બદલાવવા માટેનો ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ આવું કશું જ હાલમાં વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં જોવા મળતું નથી.
વાંકાનેર નગરપાલિકાની ભાજપની છેલ્લી બોડીને રાજ્ય સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી હતી. ત્યાર બાદથી આ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે અને હાલમાં જ્યારે રાજ્યની જુદી જુદી નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, તેમાં વાંકાનેર નગરપાલિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાંથી ભાજપના 11 અને સપા તથા કોંગ્રેસના એક ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે.
વાંકાનેર નગરપાલિકાની કુલ 28થી 11 બેઠક પર ભાજપના ઉમેદવારો થઈ ગયા છે, જેથી કરીને વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા આવશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી તેવુ ધારાસભ્ય જીતુભાઇ સોમાણી કહી રહ્યા છે.