અમદાવાદઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક વરદાન સાબિત થઇ રહી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે. નોંધપાત્ર છે કે વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે જ, આ દિવસ વૈશ્વિક સ્તર પર કેન્સરથી પ્રભાવિત લોકોનો અવાજ ઉઠાવવા અને સસ્તી, સુલભ સ્વાસ્થ્ય સેવાઓની જરૂરિયાતને પણ દર્શાવે છે. આ વર્ષે આ દિવસને ‘યુનાઇટેડ બાય યુનિક’ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

વિશ્વ કેન્સર દિવસના પ્રસંગે ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળી રહેલી સારવાર અને નિદાન વિશે વાત કરીએ તો PMJAY-MA અંતર્ગત છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને નિ:શુલ્ક સારવારની સુવિધા મળી છે. આ દર્દીઓના ઇલાજ માટે રાજ્ય સરકારે છેલ્લા 6 વર્ષમાં ₹2,855 કરોડથી વધુની રકમની પૂર્વ મંજૂરી આપી છે.

ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંયુક્ત રીતે સંચાલિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યમાં કેન્સરની સારવાર અને સંભાળમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી છે. આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ સંસ્થા કેન્સરના દર્દીઓની સારવાર માટે સમર્પિત છે. કેન્સરના દર્દીઓને સારવાર આપવા સંદર્ભે GCRIના મહત્વને આંકડાથી સમજીએ તો વર્ષ 2024માં, GCRIએ કેન્સરના 25,956 કેસોમાં સારવાર પૂરી પાડી છે. જેમાં ગુજરાતમાંથી 17,107 કેસ, અન્ય રાજ્યોના 8,843 (ખાસ કરીને મધ્યપ્રદેશથી 4331, રાજસ્થાનથી 2726 અને ઉત્તરપ્રદેશથી 1043, બાકીના અન્ય રાજ્યોના) અને 6 કેન્સરના કેસ આંતરરાષ્ટ્રીય કેસ છે. આ આંકડા કેન્સરની વિશેષ સંભાળમાં GCRI ની વિશ્વસનીયતા દર્શાવે છે.

આટલું જ નહિ, કેન્સરના દર્દીઓની સારવાર સિવાય GCRI કેન્સર જાગરૂકતા અભિયાન પણ ચલાવે છે. વર્ષ 2024માં GCRIએ 78 કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ આયોજિત કર્યા હતા, જેનો લાભ 7700 લોકોએ મેળવ્યો હતો. આવી જ રીતે, 22 જાગરૂકતા લેક્ચર્સ પણ આયોજિત કર્યા, જેનો લાભ 4550 લોકોએ મેળવ્યો હતો. GCRIએ 41 રક્તદાન શિબિરોનું પણ આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here