વલસાડઃ  શહેરના કૈલાશ રોડ પર રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડતા પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ છતાં કલેકટર કચેરીના અધિકારીઓ, મ્યુનિના અધિકારીઓ, પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક શ્રમિકો પટકાયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આ બનાવમાં અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લા કલેક્ટરના કહેવા મુજબ આજે સવારે આ દુર્ઘટના થઇ એમાં પાંચ શ્રમિકોને ઇજા થઇ છે. જેમાં ચાર શ્રમિકોની તબિયત સારી છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા ત્યારે કોઇ જેકના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યુ છે.

જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. બે વર્ષ રહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર એક વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઇમલાઇન છે. આ બનાવમાં અમે કમિટીની રચના કરીને તપાસ કરીશું જે તપાસમાં આવશે એ મુજબ આગળીની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here