સુરતઃ શહેરના વોર્ડ નંબર-18  લિંબાયત-પરવટ-કુંભારીયાની ખાલી બેઠક માટે 16 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાશે. વોર્ડ નંબર 18ના એક બેઠકની ચૂંટણી યોજવાની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિધિવતરીતે જાહેરાત કરવામાં આવતા આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જેના કારણે સુરત મ્યુનિ.કોર્પોરેશનનું વાર્ષિક બજેટ રજૂ કરવાનો નિર્ણય માર્ચ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આચારસંહિતા લાગુ થવાથી ઉધના, લિંબાયત અને વરાછા-એ ઝોનના વિકાસકામો પણ અટકી ગયા છે.

સુરત શહેરના વોર્ડ નંબર 18 લિંબાયત-પરવટ-કૂંભારિયાની ખાલી બેઠક માટે ચૂંટણી પંચે 16મી ફેબ્રુઆરીએ ચૂંટણી જાહેર કરી છે. પેટા ચૂંટણી જાહેર થતાં આચારસંહિતોનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતા 21 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે, જેના કારણે આ ત્રણ ઝોનમાં નવા વિકાસકામોની મંજૂરી મળી શકશે નહીં. અગાઉથી શરૂ થયેલાં કામો ચાલુ રહેશે, પરંતુ નવા પ્રોજેક્ટો માટે મંજૂરી મંજૂર નહીં કરવામાં આવે. આચાર સંહિતાના કારણે મ્યુનિના બજેટમાં પણ ફેરફાર કરવાની શક્યતા ઉભી થઈ હતી. જોકે અંતે નિર્ણય લેવાયો હતો કે બજેટ પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

સુરત શહેરમાં ગત વર્ષે 23 માર્ચે વોર્ડ-18ના કોર્પોરેટર ગેમર દેસાઈનું અવસાન થયું હતું. તેમની ખાલી પડેલી બેઠક માટે હવે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આચરસંહિતા લાગુ થવાના કારણે મ્યુનિની  વિવિધ સમિતિઓના કાર્ય સૂચિમાંથી ઉધના, લિંબાયત અને વરાછા-એ ઝોનના વિકાસકામોને હટાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. મ્યુનિ,કોર્પોરેશનનું વર્ષ 2025-26ના વર્ષનું બજેટ જાન્યુઆરીના અંતમાં રજૂ થવાનું હતું, પણ આ ત્રણ ઝોનના કામો બજેટમાં આવરી લેવાતા હવે તેની રજૂઆત વિલંબિત થશે. મ્યુનિને હવે બજેટ રજૂ કરવા માટે ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોવી પડશે.

સૂત્રોના કહેવા મુજબ શહેરના વોર્ડ-18ની ખાલી બેઠક પર ઓબીસી અનામત હોય તે કારણે રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી માટે સળવળાટ શરૂ થઈ છે. આ સંજોગોમાં ચૂંટણી પ્રચારમાં પણ રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here