સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ, સુરેન્દ્રનગર અને દુધરેજની સંયુક્ત નગરપાલિકાનું મ્યુનિ.કોર્પોરેશનમાં રૂપાંતર થયા બાદ નવ નિયુક્ત કમિશનરે શહેરના નાગરિકોને વધુ સુવિધા આપવા તેમજ શહેરમાં સ્વચ્છતા જળવાય અને લારી-ગલ્લાવાળા નિયત કરેલી જગ્યા પર જ ઊભા રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. દરમિયાન શહેરમાં રસ્તા પર ઊભા રહેતા લારી ધારકોના રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સોમવાર સુધીમાં 900થી વધુ લારી ધારકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેના માટે સવારથી જ મ્યુનીના જૂની બિલ્ડિંગમાં લારી ધારકોની લાઇનો લાગી હતી.

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન બન્યા બાદ શહેરમાં રસ્તાઓ પર ઊભા રહેતા લારી અને પાથરણાવાળા, શાકભાજી વાળા વેપારીઓને મુખ્ય માર્ગ પરથી હટાવવાની કાર્યવાહીને લઇ આવેદનો અપાયા હતા. જેને લઇ મ્યુનિ.ના તંત્ર દ્વારા તેમના માટે ઊભા રહેવા વ્યવસ્થા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં દરેક લારીવાળાને રજિસ્ટ્રેશન કરાવવા માટે મ્યુનિની જુની કચેરીએ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે રવિવારે પણ રજિસ્ટ્રેશન કરાયા બાદ સોમવારે છેલ્લો દિવસ હોવાથી લારી ધારકોની મ્યુનિની કચેરીએ લાઇનો લાગી હતી. જેમાં સાંજ સુધીમાં 900થી વધુ લારી ધારકોએ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.

સૂત્રોના કહેવા મુજબ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લારી-ગલ્લાવાળાને ઊભા રહેવા માટે વ્યવસ્થા કરાશે લારી-ગલ્લાવાળાને જ્યાં ઊભા રખાશે ત્યાં પાણી અને ટોયલેટ સહિતની પણ સગવડતા અપાશે. તેના સિવાઇ અન્ય કોઇ જગ્યાએ ઊભા નહીં રહી શકે. રજિસ્ટ્રેશન કાર્યવાહી બાદ લારી માલિકો પાસે ફોર્મ ભરાવીને તેમને ઓળખ કાર્ડ આપવામાં આવશે. લારી રાખવા માટે પટ્ટા મારીને નંબરિંગ કરવામાં આવશે. કોઇ વાદ વિવાદ ન થાય તે માટે ડ્રો કરીને જગ્યાની ફાળવણી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here