ગાંધીનગરઃ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં થતાં વધારાને કારણે હવે લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે. એટલે ઈલેક્ટ્રિક વાહનો વધતા જાય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ 10 જેટલા ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાટનગર ગણાતા ગાંધીનગરને સ્વચ્છ અને હરીયાળુ બનાવવાના ભાગરૂપે પ્રદૂષણ નિયંત્રણ માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઇવી પોલિસી અમલી બનાવી હતી. ગાંધીનગર આ પોલિસી લાવનાર દેશનું પ્રથમ પાટનગર બન્યું છે ત્યારે શહેરમાં વધુ 10 ઇવી ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ માટે વિવિધ લોકેશન અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધે અને તે માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય, શહેરના નાગરિકો અને બહારથી આવતા મુલાકાતીઓને સરળતાથી ચાર્જિંગ સ્ટેશન મળી રહે તે હેતુથી મ્યુનિ. કોર્પોરેશન  દ્વારા ઇવી પોલિસી હેઠળ શહેરના વિવિધ 4 વિસ્તારોમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ તેમજ રેવન્યુ શેરિંગ મોડેલ આધારિત પબ્લિક ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવ્યા છે. આ તમામ સ્ટેશન બનાવવા માટે ગાંધીનગર મ્યુનિને કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાનો થતો નથી.

આ ઉપરાંત ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને ચાર્જિંગ યુનિટને આધારે આવક પણ મળતી થઇ છે. મ્યુનિ. દ્વારા સેક્ટર-21માં લાયબ્રેરીની પાછળ, સેક્ટર-21માં નર્સરીની બાજુમાં, સેક્ટર-6માં પેટ્રોલ પમ્પની સામે તેમજ સેક્ટર-11માં ટોરેન્ટ પાવર બિલ્ડિંગની પાછળના ભાગે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઊભાં કરવામાં આવેલા 4 ચાર્જિંગ સ્ટેશનો પર ત્રણ મહિનામાં કુલ 1079 વાહનોનું ચાર્જિંગ કરવામાં આવ્યું છે. જેમાં 714 ઇવી કાર, 342 ઇવી ટુવ્હીલર અને 23 ઇવી થ્રી વિહીલરનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો પૈકી સેક્ટર- 6 ખાતેના ચાર્જિંગ સ્ટેશન પર સૌથી વધુ 549 વાહનો ચાર્જ કરવામાં આવ્યા છે. (file photo)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here