સુરેન્દ્રનગરઃ ખેડૂતોને સીઝન ટાણે યુનિયા ખાતર મળતુ નથી, અને બીજીબાજુ યુરિયા ખાતર બ્લેકમાં ફેકટરીઓને વેચાણ કરી દેવામાં આવતું હોય છે. ત્યારે સુરેન્દ્રનગર એસઓજીએ સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે. એસ.ઓ.જી. સુરેન્દ્રનગર દ્વારા લખતર તાલુકાના દેવળિયા ગામમાં એક ગોડાઉન પર દરોડો પાડી ખેડૂતો માટેના યુરિયા ખાતરને કોમર્શિયલ બેગમાં પેક કરી ફેક્ટરીઓને વેચવાના કૌભાંડનો ભાંડો ફોડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 19.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, જિલ્લા પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG)ને મળેલી બાતમીના આધારે લખતર તાલુકાના દેવળિયા ગામમાં કૃપાલસિંહ ભવાનસિંહ રાણાના કબજા ભોગવટાના ગોડાઉનમાં અજયસિંહ બળવંતસિંહ રાણા અને દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઈ ધર્મેન્દ્રસિંહ રાણા દ્વારા સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે લાવી, કોમર્શિયલ ઉપયોગ માટેની કોથળીઓમાં પેકિંગ કરી કાળાબજારમાં ફેક્ટરીઓને વેચવાની પ્રવૃત્તિ ચાલુ હોવાનું જાણવા મળતા દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, સ્થળ પરથી 597 યુરિયાની થેલીઓ (કિંમત રૂ. 9,61,480), 280 ખાલી પીળા રંગની સરકારી ખાતરની થેલીઓ (કિંમત રૂ. 1,400), એક સિલાઈ મશીન (કિંમત રૂ. 2,000), 40 સફેદ ખાલી કોમર્શિયલ ઉપયોગ માટેની થેલીઓ (કિંમત રૂ. 200), એક ટ્રક (કિંમત રૂ. 10,00,000) અને ત્રણ મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000) સહિત કુલ રૂ. 19,80,080નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દામાલ શંકાસ્પદ રીતે મેળવેલો હોવાનું તપાસમાં જણાયું છે.
યુરિયા ખાતરના કાળા બજારના આ કૌભાંડમાં આરોપી કૃપાલસિંહ ભવાનસિંહ રાણાના ગોડાઉનનો ઉપયોગ થતો હતો. દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઈ ધર્મેન્દ્રસિંહ રાણા મજૂરોને લાવવાનું કામ કરતા હતા, જ્યારે અજયસિંહ બળવંતસિંહ રાણા પણ આ પ્રવૃત્તિમાં સામેલ હતા. ઉપરાંત, પરાગ નામના વ્યક્તિએ યુરિયાનો જથ્થો કોમર્શિયલ થેલીઓમાં હેરફેર થયા બાદ કાળાબજારમાં વેચવા માટે ટ્રક મોકલ્યો હતો. પોલીસે સ્થળ પરથી યુરિયા ખાતરની હેરફેર કરતા આઠ મજૂરોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગોડાઉનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ પણ મળી આવતા પી.જી.વી.સી.એલ.ની ટીમને બોલાવી વીજ જોડાણ કાપી નાખી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લખતર પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવાજોગ નોંધ દાખલ કરી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.