ભાવનગર:પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને ભાવનગરમાં રવિવારે એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ ‘ગુજરાતી ઉત્સવ’ યોજ્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ખીચોખીચ અટલ ઓડિટોરિયમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં ગુજરાતી સંસ્કૃતિની મહેફિલ જામી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન,રેખ્તા ગુજરાતીના પ્રેરક અને સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ હોવાને કારણે ભાવનગર પહોંચી શક્યા ન હતા.
કાર્યક્રમની શરૂઆત રેખ્તા ગુજરાતીની ઓળખ આપતા વીડિયો સાથે થઈ હતી. એ પછી અતિથિ વિશેષ શાહબુદ્દીન રાઠોડ અને કવિ વિનોદ જોશીએ દીપ પ્રાગટ્ય્ કર્યું હતું.શાહબુદ્દીન રાઠોડ અને વિનોદ જોશીનું સ્વાગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી ભાષા વિભાગના અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારે કર્યું હતું. સૌપ્રથમ કવિ વિનોદ જોશીએ રેખ્તા ગુજરાતીને ભાવનગરમાં આવકાર આપી તેમને પ્રિય એવું સાગર અને શશી કાવ્યનો પાઠ કરી અને હર્ષા દવેની સાગરને કેન્દ્રમાં રાખી લખેલી કવિતાથી ભાવનગરનાં કવિઓની કવિતાનો શબ્દદિપ કેટલો ઝળહળતો થયો છે એની વાત કરી હતી.
શાહબુદ્દીન રાઠોડે પોતાના આગવા અંદાજમાં સત્ત્વશીલ રમૂજ સાથે સાહિત્યકારના વર્ણન અને સામાન્ય માણસની સ્થિતિ કેવી રોજિંદા જીવનની ક્ષણો હોય છે એને હાસ્યથી ભરી આપી હતી તથા ગઝલનાં શેર અને કવિતાઓની પંક્તિઓથી સાહિત્યની રોનક જમાવી હતી. પરિવાર સાથે સાંભળી શકાય એવું હાસ્ય આપી જીવનના સત્યોને હળવાશથી જીવવાની હાસ્યબુટ્ટીઓ રેલાવી હતી. શાહબુદ્દીન રાઠોડે કહ્યું હતું કે, ‘હસવું અને વિચારવું સાથે ન થાય ત્યારે આપણે ખડખડાટ હસી શકીયે છીએ.’