ગુજરાતમાં ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે જણાવ્યું છે કે રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. આ સાથે ગુજરાત રિજન (રાજ્યનો સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયનો ભાગ) અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આગામી 7 દિવસ માટે કરવામાં આવી છે. ગુજરાત રિજન માટે ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ વોર્નિંગ આપવામાં આવ્યું છે જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં યલો વોર્નિંગ સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવનાઓ છે, જેમાં ભારે વરસાદી ઝાપટાં થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.હવામાન વિભાગે આજના દિવસ માટે જે આગાહી કરી છે તેમાં, રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના મોરબીમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો માટે યલો એલર્ટ આપ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી એકે દાસે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિકલાકની રહેવાની સંભાવનાઓ છે. જ્યારે ઝાટકાના પવનની ગતિ 65 કિલોમીટર પ્રતિકલાક સુધી જવાની સંભાવનાઓ છે. આ દરમિયાન દરિયો તોફાની રહેવાની સંભાવનાઓ છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે.