ઊના, ગીર સોમનાથ જિલ્લાના ઊના શહેરની નજીક ખાપટ ગામ પાસે આવેલી ગૌશાળામાં ગત મધરાત બાદ બે સિંહએ ગૌશાળાની મજબુત ફેન્સિંગ તોડીને પ્રવેશ કરી 6 ગાયોનું મારણ કર્યું હતું. ગાયોના મારણ બાદ મિજબાની માણીને બન્ને સિંહ સીમ વિસ્તાર તરફ જતા રહ્યા હતા, આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં જોવા મળે છે કે, જીવ બચાવવા માટે 52 ગાયો દોડાદોડી કરી રહી છે. અને પાછળ સિંહ દોડતો હોય છે.

ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં અવારનવાર સિંહો માનવ વસવાટવાળા વિસ્તારોમાં ઘસી આવતા હોવાના બનાવ સામે આવે છે. ત્યારે ઊના શહેરથી 8 કિલોમીટર દૂર આવેલા ખાપટ ગામમાં સિંહોએ ગૌશાળામાં હુમલો કર્યો છે. મધરાતે 2 સિંહે ગૌશાળામાં 6 ગાયોનું મારણ કર્યુ હતું. ખાપટ ગામમાં રાત્રે 2:45 વાગ્યાની આસપાસ બે નર સિંહો શિકારની શોધમાં ગામના મુખ્ય રોડ પર આવ્યા હતા. અહીં યુવાનો દ્વારા રેઢિયાળ ગાયો માટે બનાવવામાં આવેલી ગૌશાળામાં હાલ 52 ગાયો રહે છે. ગૌશાળાની બે બાજુ ફેન્સિંગ અને બે બાજુ દીવાલ છે. સિંહોએ ફેન્સિંગ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ફેન્સિંગ તોડવામાં સિંહે જોરદાર બળ પ્રયોગ કર્યો હોય તેમ ફેન્સિંગ જે છે, ખીલાથી ધરબેલ હતી એ ફેન્સિંગ તોડી ગૌશાળામાં પ્રવેશ્યા હતા સિંહોને જોઈને ગાયો ભાંભરવા લાગી હતી. ગૌશાળાના સીસીટીવીમાં ગાયોની નાસભાગના દૃશ્યો કેદ થયા છે. બંને નર સિંહોએ 6 ગાયો પર હુમલો કરી તેમને મારી નાખી હતી. આ હુમલાથી ડરીને અન્ય ગાયો ગૌશાળાની બહાર નીકળી ગઈ હતી. શિકાર કર્યા બાદ સવારના સમયે બંને સિંહો સીમ તરફ નીકળી ગયા હતા. શિકાર કર્યો હોય ત્યાં સિંહોના ફરી આવવાની સંભાવના હોય છે, તે જોતાં વનવિભાગ પાસે સિંહોનું લોકેશન મેળવવાની માંગણી ઉઠી છે.

ગીર અને સૌરાષ્ટ્ર પંથકમાં સાવજનો સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ તેની સાથે સાથે હવે સાવજ જંગલની આસપાસના વિસ્તારના ગામોમાં રાત્રે તો ઠીક પણ ધોળા દિવસ શેરીઓમાં આંટાફેરા કરવા લાગ્યા છે. જેમાં બે દિવસ અગાઉ ઊના પંથકના પાતાપુર ગામમાં તો એવી હાલત હતી કે સિંહણ રાત દિવસ ગામની શેરીમાં ફરતા અને પ્રાણીઓના મારણ કર્યા હતા. જોકે, હજુ સુધી તેણે કોઇપણ વ્યક્તિ પર હુમલો નથી કર્યો. પરંતુ સિંહણને સામે આવી જોતા જ લોકો જીવ બચાવવા ભાગતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here