અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતી કાલે તા. 25મી ઓગસ્ટનો સોમવારના રોજ સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચીને સીધા નિકોલ જશે. જ્યાં લોકાર્પણ અને જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના નિકોલ ખાતેના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરના નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. જેને લઇને સમગ્ર રોડ ઉપર તિરંગા અને સિંદૂરના હોર્ડિંગસ તેમજ બેનરો લગાવવામાં આવ્યા છે. સમગ્ર નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ માટે જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તા. 25મી ઓગસ્ટથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન કાલે સોમવારે સાંજના 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે, એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શહેરના મેયર દ્વારા વડાપ્રધાનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી વડાપ્રધાન નિકોલ પહોંચશે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના રોડ શો અને જાહેર સભાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સમગ્ર નિકોલની સુરત બદલી નાખવામાં આવી છે. નિકોલ મેંગો સિનેમાથી ખોડલધામ તરફ જવાના રોડ ઉપર વચ્ચેના ડિવાઇડર પર તિરંગા લગાવવામાં આવ્યા છે તેમજ તિરંગા કલરની પટ્ટીઓ પણ લગાવવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં ઠેર ઠેર વડાપ્રધાનને આવકારતા બેનરો અને હોર્ડિગ્ઝ પણ લગાવવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ તિરંગા તેમજ સર્કલ પર લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જર્મનડોમ તૈયાર કરી દેવામાં આવ્યો છે. વરસાદની આગાહી છે ત્યારે આ આખો ડોમ વોટરપ્રૂફ ડોમ ઉભો કરવામાં આવેલો છે જેથી સભામાં હાજર રહેલા લોકોને વરસાદમાં તકલીફ પડશે નહીં.

શહેરના નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી દિવસ રાત રોડ અને ફૂટપાથની કામગીરી કરવામાં આવી રહી છે. ડીવાઈડરની વચ્ચે કલરકામ કરવામાં આવ્યું છે. નિકોલ ખોડીયાર મંદિરથી ઉમા વિદ્યાલય થઈને શુકન ચોકડી સુધી નવો રોડ બનાવવામાં આવ્યો છે. આંતરિક રસ્તાઓમાં પણ જ્યાં પણ નાના મોટા ખાડા અથવા તો રોડ ખરાબ હોય તેને નવો બનાવી દેવામાં આવ્યો છે. દિવસ- રાત જેસીબી મશીનો ડમ્પરો વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નિકોલ વિસ્તારમાં તેમજ વડાપ્રધાનના રોડ શોના રૂટ ઉપર ઠેર ઠેર સફાઈ પણ કરવામાં આવી રહી છે.

નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડની આજુબાજુ નવી બિલ્ડીંગો બની રહી છે ત્યારે તમામ નવી બિલ્ડીંગો ઉપર ગ્રીન નેટ પણ લગાવી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ બિલ્ડીંગો ઉપર લાઇટિંગ પણ કરવામાં આવેલું છે. સમગ્ર વિસ્તારમાં તિરંગાની લાઇટિંગ બિલ્ડીંગો ઉપર કરવામાં આવેલી છે. રોડ શોને લઈને બેરીકેટિંગ લગાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાએ વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here