ખંભાતઃ આણંદ જિલ્લાના ખંભાતના સોખડા નજીક આવેલી એક કંપનીમાં ઝેરી ગેસની અસરથી બે શ્રમિકોના મોત થયાં છે. જ્યારે અન્ય બે શ્રમિકો ઝેરી ગેસની ગંભીર અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ બનાવની વિગત એવી છે કે, ખંભાત તાલુકાના સોખડા ખાતે એક કંપની આવેલી છે. આ કંપનીમાં કામ કરતાં બે શ્રમિકો ETP (એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ટાંકીની સફાઈ કરવા માટે ઉતર્યાં હતાં. જે દરમિયાન ઝેરી ગેસના ગળતરને કારણે બે શ્રમિકોના મૃત્યુ થયા છે. આ બનાવની જાણ થતાં સાથી શ્રમિકને બચાવ કામગીરી માટે ગયેલા અન્ય બે શ્રમિકો પણ ઝેરી ગેસની ઝપેટમાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક શ્રમિકોના પરિવારજએ કાર્ડિયાક કેર હોસ્પિટલ બહાર આક્રંદ કર્યું છે.
આ અંગે મૃતક શ્રમિકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારા પરિવારનો સભ્ય કંપનીમાં નોકરીએ જતો હતો, એને એ કામ કરતો હતો એની જગ્યાએ ગટરના કામમાં નાખ્યો અને અમારા છોકરાનો જીવ લીધો. અમને કંપનીવાળા સરખો જવાબ નથી આપતા, અમને ન્યાય જોઇએ.
આ અંગે ઇજાગ્રસ્ત શ્રમિક રમેશભાઇ ભોઇએ જણાવ્યું કે, સાફ સફાઇ કરવા માટે એક માણસ ઉતર્યો હતો, જેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં બેભાન થઇ ગયો હતો. જેને બચાવવા હું પણ ઉતર્યો હતો. કોઇક વાર જ ટાંકી સાફ કરવાની હોય એટલે કંપનીમાં સલામતીના કોઇ સાધનો નથી. મોટાભાગે સાફ સફાઇ કરવા માટે બહારથી માણસો આવતા હોય છે.