જૂનાગઢઃ સોરઠ પંથકમાં ગઈકાલે બુધવારે ભારે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા મેંદરડા, વંથલી અને કેશોદ સહિતના તાલુકાઓમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં ભારે વરસાદને લીધે હજુ 35 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના આલિધ્રા સહિત ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

​જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ફરી એકવાર પૂર આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ ભારે વરસાદને કારણે નદીના પાળા તૂટ્યા છે, જેના કારણે બામણાસા ઘેડ ગામમાં પાણી ઘૂસી ગયાં છે. પાણીના પ્રવાહથી એક મકાન પણ તૂટી પડ્યું હતુ. ​પાણી ભરાઈ જવાથી આખું ગામ સંપર્કવિહોણું બની ગયું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતા. આ પરિસ્થિતિને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે મધુવંતી અને બંધૂકયો નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે. જિલ્લાના કુલ 18 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં આર.એન.બી. વિભાગના 9 અને પંચાયતના 9 રસ્તાઓનો સમાવેશ થાય છે. આ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને એસ.ટી. બસના 6 રૂટ પણ રદ કરાયા છે. માણાવદર અને વંથલી તાલુકાના 35 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના પગલે સાબડી ડેમમાં પાણીની આવક વધી જતાં તેના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવાને કારણે નીચાણવાળા 52 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

માણાવદર શહેરમાંથી પસાર થતી ખારા નદી પર આવેલા દગડ તળાવનો પાળો તૂટી જતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ભોજન, પાણી અને રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે રાજકોટથી એનડીઆરએફ (NDRF)ની ટીમ બોલાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here