હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર વધ્યું છે. ભારે વરસાદના કારણે જિલ્લાના 93 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી માલવણ ગામ બેટમાં ફેરવાયું છે.માલવણ ગામના મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળ્યાં છે. સતત વરસાદ પડતા અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. વલસાડના 21 રસ્તા, ધરમપુરના 23 રસ્તા, કપરાડાના 27 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પારડીના 10 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ત્યારે વાપીના 5 અને ઉમરગામના 4 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લોકોને નદીના કિનારે ન જવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરી છે.