ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે.
2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે “કો-ઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણી સંદર્ભમાં ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેતી બેંક અને ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્કશોપના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા કહ્યું કે, સ્વતંત્રતા પહેલાં ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આગેવાનીમાં અસહકારની લડતમાં અગ્રેસર ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલના વિઝનને પાર પાડવામાં અગ્રેસર છે.
તેમણે જણાવ્યું કે, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ખાસ કરીને પ્રાથમિક સહકારી મંડળીઓ આ માટેનું અને સ્વદેશીથી આત્મનિર્ભરતાનું યોગ્ય પ્લેટફોર્મ છે એમ મુખ્યમંત્રી ઉમેર્યું હતું.