અમદાવાદમાં ગઈકાલે(19 ઓગસ્ટ) ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે. ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને શાળા બહાર છરી મારી દેતા ચકચાર મચી છે. ઘટનામાં વિદ્યાર્થી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા. આ સાથે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ ધોયા. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું. સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી.લોકોના ટોળાએ પોલીસની સામે પણ સ્ટાફને માર મારવાનું ચાલું રાખ્યું હતું. સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઉંચી કરી નાખી હતી. બાદમાં આક્રોશિત ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો છે.મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને ACP સ્કૂલે પહોંચી ગયા છે. સાથે જ બજરંગ દળ, VHP, ABVPના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રીરામના નારા લગાવી શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલ બહાર 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા.

પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે.રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે આ ઘટના આપણાં સૌ માટે સામાજિક ચિંતન અને મનન કરવાનો વિષય છે. આ ગંભીર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમ સંપૂર્ણ તપાસ કરશે. ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવાશે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આધ્યાત્મિકતા સાથે શિક્ષણ આપવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.મૃતકના સગા આક્રોશ ઠાલવી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. સાથે જ સ્કૂલને બંધ કરવાની પણ માગ થઈ રહી છે.મણીનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે બે હાથ જોડીને લોકોને વિનંતી કરી છે કે ધીમે ધીમે અહીંયાથી લોકો વિખેરાઈ જાઓ. અમે રાજ્ય સરકારમાં તમારી જે પણ રજૂઆત હશે તે તમામ રજૂઆત કરીશું અને અત્યારે હાલમાં પણ અમે રજૂઆત કરી દીધી છે. મૃતક દીકરાની અંતિમયાત્રા નીકળવાની બાકી છે જેથી તમામ લોકોને હું વિનંતી કરું છું કે અંતિમયાત્રામાં જોડાઈએ. વાલીઓની જે કોઈપણ રજૂઆત હશે તેને અમે રાજ્ય સરકારમાં કરીશું. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે તમારી વચ્ચે અહીંયા જ છીએ અને અમે અહીંયા જ હાજર રહીશું જ્યાં પણ તમને જરૂર હશે ત્યાં અમે હાજર રહેવા તૈયાર છીએ.સેક્ટર 2 જેસીપી, ઝોન 6 ડીસીપી અને ક્રાઈમ જેસીપી સહિતના અધિકારીઓ હાલ ઘટનાસ્થળેથી રવાના થઈ ચૂક્યા છે. સાથે જ મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ પણ સ્કૂલમાંથી રવાના થઈ ચૂક્યા છે. ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અને ઝોન 5 ડીસીપીનો પોલીસ કાફલો હાલ હાજર છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્કૂલની અંદર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here