અમદાવાદઃ વ્યાપાર અને સાહસ માટે જાણીતું રાજ્ય ગુજરાત હવે રમતગમત ક્ષેત્રે વૈશ્વિક નકશા પર ઝળકવા માટે તૈયાર છે. આગામી વર્ષોમાં ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છે, જે રાજ્ય માટે ગર્વની વાત છે. 2025માં જ કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ, એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વૉલિફાયર એમ ત્રણ મોટી ઇવેન્ટ્સ યોજાશે અને વિશ્વભરના ટોચના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે.
અમદાવાદ કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની, 2025માં 3 ઇવેન્ટ્સ
અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 24 થી 30 ઓગસ્ટ દરમિયાન પ્રતિષ્ઠિત કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2025નું આયોજન છે. આ ચૅમ્પિયનશિપમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 યોજાશે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોના તરવૈયાઓ ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, ભારત 22 થી 30 નવેમ્બર, 2025 દરમિયાન આયોજિત AFC U17 એશિયન કપ સાઉદી અરેબિયા 2026 ક્વૉલિફાયરના સાત યજમાન દેશોમાંનો એક છે. ભારતમાં આયોજિત તમામ મૅચ અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ધ અરેના ખાતે યોજાશે. અમદાવાદમાં યોજાનાર ક્વૉલિફાયરમાં ગ્રુપ-Dની મૅચ યોજાનાર છે. જેમાં ભારત, ઈરાન, પેલેસ્ટાઇન, ચાઇનીઝ તાઈપેઈ અને લેબનોન જેવા દેશો ભાગ લેશે.