ગાંધીનગરઃ શહેરમાં 10 જેટલા સેક્ટરોમાં હવે મીટરથી 24 કલાક પાણી આપવામાં આવશે.

શહેરના સેક્ટર-14 થી 29 પૈકીના 10 સેક્ટરોના રહેવાસીઓને 24 કલાક પાણી પુરવઠો પુરા ફોર્સથી મળી રહેશે. અગમચેતી પગલાંના ભાગરુપે પાઈપલાઈનમાંથી પાણી લિકેજ થાય તો તેની ફરિયાદ માટે સેકટર વાઇઝ ફરિયાદ નિવારણ નંબરો જાહેર કરાયા છે. આ યોજના માટે નવી લાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન પ્રેશરથી પાણી છોડવામાં આવ્યું હતું

ગાંધીનગર શહેરના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે 24 કલાક પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પૂર્ણ કરતા  હવે 10 જેટલા સેક્ટરોમાં આવતી કાલે તા. 19 ઓગસ્ટ, 2025થી દિવસ-રાત 24 કલાક પાણી મળવાનું શરૂ થશે. ભૂતકાળમાં પાણીની લાઇનોના ટેસ્ટિંગ દરમિયાન ઠેર ઠેર લીકેજની સમસ્યા સર્જાઈ હતી. જેના લીઘે હજારો લીટર પાણી વહી ગયું હતું. હવે કાલે મંગળવારથી જુના સેકટરોમાં 24 કલાક પાણી અપાશે. જેથી અગમચેતી પગલાંના ભાગરુપે પાણી વહી જાય એ પહેલા જ તંત્રએ પાળ બાંધી સેકટર વાઇઝ ફરિયાદ નિવારણ નંબરો જાહેર કર્યા છે.

ગાંધીનગર પ્રથમ એવુ સ્માર્ટ સિટી બનશે. જ્યાં સમગ્ર શહેરી વિસ્તારમાં 24 કલાક પાણીની યોજના સાકાર થશે. 50 વર્ષ પહેલાંના પાણીના નેટવર્કને બદલાવીને પાણીની લાઇન, સમ્પ સહિત નવું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યુ છે. નવા ભળેલા 18 ગામડાં અને પેથાપુર નગરપાલિકા સહિત સમગ્ર મહાનગર પાલિકા વિસ્તારને આ યોજનામાં આવરી લેવામાં આવ્યો છે.પાણી વિતરણ માટે જુના સેક્ટરોમાં નવી પાઈપલાઈનનું નેટવર્ક પાથરી દેવાયું છે.હાલની વ્યવસ્થા પ્રમાણે જ સરિતા ઉદ્યાન હેડ વર્કસ અને ચરેડી હેડ વર્કસ પરથી પાણી અપાશે.મુખ્ય સ્ત્રોત નભોઇ હેડ વર્કસથી શહેર તરફ આવતી નર્મદા મુખ્ય નહેરની બલ્ક લાઇનમાંથી પાણી લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here