અંકલેશ્વર રૂરલ પોલીસે દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી દેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહેલ કારને ચાલક સાથે નવા પુનગામ પાસેથી ઝડપી પાડી રૂ. 1 લાખની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 3.05 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, કારમાં દેશી દારૂનો જથ્થો દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી દહેજ જનાર છે. જેથી પોલીસે નવા પુનગામ ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કારને રોકી ચાલક ભાવિન ઠાકોરભાઈ વસાવા (રહે- અમરતપરા ગામ ,અંકલેશ્વર) ને ઝડપી પાડ્યો હતો. કારની તલાસી લેતા તેમાંથી દારૂના 21 થેલા મળી આવ્યા હતા. આરોપીએ આ દારૂનો જથ્થો અમરતપરાના મણીબેન અંબુભાઈ વસાવા પાસેથી મેળવી દહેજ ખાતે રહેતા અજય રાઠોડ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબુલાત કરી હતી. પોલીસે રૂપિયા એક લાખની કિંમત ધરાવતો 504 લીટર દેશી દારૂનો જથ્થો, કાર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3,05, 800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી દારૂનો જથ્થો ભરી આપનાર તથા મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.