અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીના કાંઠે આવેલા અતિ પ્રાચીન શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં બે દિવસ માટે શિવ દર્શનનો પ્રારંભ 17મી ઓગસ્ટ 2025 ને રવિવારના રોજ સવારે 10 કલાકે થશે. આ શિવ દર્શન ની પૂર્ણાહુતિ 18 ઓગસ્ટ ને સોમવારના રોજ થશે.
સાબરકાંઠામાં હિંમતનગર નજીક સાબરમતીના તટ પર આવેલા સુપ્રસિદ્ધ સપ્તેશ્વર મહાદેવજીના મંદિરનૈ પરિસરમાં ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રોનું દર્શન રવિવાર તા. 17મીને સવારે 10 કલાકથી યોજાશે. દેશના 12 જ્યોતિર્લિંગની અનુભૂતિ કરાવતા આ ચિત્રો અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલે દોર્યા છે. ભગવાન શિવની વિવિધ મુદ્રાઓને અંકિત કરતા 251 ચિત્રોના શિવ દર્શનનો પ્રારંભ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 2006 ના શ્રાવણ પર્વમાં થયો હતો. ત્યારબાદ તમામ 12 જ્યોતિર્લિંગમાં “શિવ દર્શન”નું આયોજન કરાયું હતું. 2017માં મહારાષ્ટ્રમાં આવેલા ઘુષ્ણનેશ્વર જ્યોતિર્લિંગમાં આ યાત્રા સંપન્ન થઈ હતી. બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરી હવે શિવદર્શન ગુજરાતના પ્રાચીન મંદિરોમાં આયોજિત કરવાનું નક્કી કર્યું છે.જેમાં આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદી કાંઠે આવેલા પ્રાચીન મંદિર સપ્તેશ્વર મહાદેવ માં શિવ દર્શન નું આયોજન કરાયું છે. અમદાવાદમાં પાન પાર્લર નો વ્યવસાય ધરાવતા હસમુખભાઈ પટેલ માત્ર લાલ અને કાળા એમ બે કલરનો ઉપયોગ કરી શિવ ભગવાનની વિવિધ મુદ્રાઓ અંકિત કરે છે. બાર જ્યોતિર્લિંગમાં તેમણે અંકિત કરેલી દ્વાદશ જ્યોતિર્લિંગની મહિમા ધરાવતી કૃતિઓ નું શિવદર્શનનું આયોજન પૂર્ણ થયું છે. શિવભક્ત હસમુખ પટેલનું કહેવું છે કે ચિત્રો દોરવાની કોઈ પણ પ્રકારની તાલીમ કે શિક્ષણ લીધું નથી પરંતુ ભગવાન શિવની કૃપાથી મહાદેવના ચિત્રો દોરું છું. ભગવાન શિવનો સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે દર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં શિવ દર્શન નું આયોજન થાય તેવો સંકલ્પ પણ કર્યો છે આ ચિત્રો ભક્તોના દર્શન માટે જ છે .બાર જ્યોતિર્લિંગમાં શિવ દર્શનના સંકલ્પને પૂરા કર્યા બાદ હવે ગુજરાતમાં પણ શિવ દર્શન નું આયોજન કરવાનો સંકલ્પ કર્યો છે. જેમાં અગાઉ ધંધુકા નજીકના ભીમનાથ મહાદેવ, બોટાદ નજીકના ઘેલા સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ગોપનાથમાં શિવ દર્શન નું આયોજન કરાયું હતું.